RIL પશ્ચિમ બંગાળમાં 20,000 કરોડનું રોકાણ કરશે, મુકેશ અંબાણી એ કરી જાહેરાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ રોકાણ આગામી ત્રણ વર્ષમાં કરશે

Courtesy: Image: Twitter

Share:

 

RIL: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ હાલમાં બંગાળમાં ચાલી રહેલી બિઝનેસ સમિટમાં હાજરી આપી હતી. તેમાં મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ આગામી ત્રણ વર્ષમાં કરવામાં આવશે.

 

કોલકાતામાં ચાલી રહેલી 7મી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં મુકેશ અંબાણીએ કહ્યું, “રિલાયન્સ (RIL) બંગાળના વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. અત્યાર સુધીમાં રિલાયન્સે બંગાળમાં લગભગ 45,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આગામી ત્રણ વર્ષમાં અમે રૂ. 20,000 કરોડનું રોકાણ કરીશું.”

 

મુકેશ અંબાણીએ કહ્યું કે 20 હજાર કરોડનું આ રોકાણ ટેલિકોમ, રિટેલ અને બાયો એનર્જી સેક્ટરમાં કરવામાં આવશે. અમે 5Gને રાજ્યના દરેક ખૂણે લઈ જઈ રહ્યા છીએ, ખાસ કરીને ગ્રામીણ બંગાળને જોડવામાં આવી રહ્યું છે. અમે બંગાળના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. Jioનું નેટવર્ક રાજ્યની 98.8% વસ્તી અને કોલકાતા ટેલિકોમ સર્કલમાં 100% વસ્તીને આવરી લે છે. Jioનું મજબૂત નેટવર્ક પશ્ચિમ બંગાળમાં રોજગાર સાથે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૃષિને વેગ આપશે.


 

RIL એ 200 નવા સ્ટોર ખોલશે

રિલાયન્સ રિટેલ આગામી બે વર્ષમાં પશ્ચિમ બંગાળમાં લગભગ 200 નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે. હાલમાં બંગાળમાં લગભગ 1000 રિલાયન્સ સ્ટોર કાર્યરત છે, જે વધીને 1200 થશે. મુકેશ અંબાણીએ કહ્યું કે સેંકડો નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ અને બંગાળના લગભગ 5.5 લાખ કરિયાણાની દુકાનદારો અમારા રિટેલ બિઝનેસ સાથે જોડાયેલા છે.

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના નવા સ્ટોર્સ ખોલવાથી તેમને ફાયદો થશે. બંગાળની ઘણી પ્રાદેશિક બ્રાન્ડ્સ જેમ કે પ્રભુજી, મુખરોચક, સિટી ગોલ્ડ, બિસ્ક ફાર્મનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રિલાયન્સ રિટેલ દ્વારા અમે આ બ્રાન્ડ્સને સમગ્ર દેશમાં લઈ જઈ રહ્યા છીએ.

 

આગામી ત્રણ વર્ષમાં 100 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), ભારતની સૌથી મોટી બાયોએનર્જી ઉત્પાદક, આગામી ત્રણ વર્ષમાં 100 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ્સ 5.5 મિલિયન ટન કૃષિ અવશેષો અને કાર્બનિક કચરાનો વપરાશ કરશે. આનાથી કાર્બન ઉત્સર્જનમાં લગભગ 2 મિલિયન ટનનો ઘટાડો કરવામાં મદદ મળશે અને વાર્ષિક 2.5 મિલિયન ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે. 

 

મુકેશ અંબાણીએ કહ્યું કે અમે ખેડૂતોને મોટા પાયે એનર્જી પ્લાન્ટેશન સ્થાપિત કરવામાં મદદ કરીશું. તેનાથી તેઓ ફૂડ પ્રોવાઈડરની સાથે એનર્જી પ્રોવાઈડર પણ બની શકશે અને તેમની આવકમાં પણ વધારો થશે.

 

મુકેશ અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ.બંગાળમાં થઈ રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો. આમાં સૌથી મહત્વપૂર્ણ કોલકાતાના પ્રખ્યાત કાલીઘાટ મંદિરનું નવીનીકરણ અને પુનરુત્થાન છે. આ સદીઓ જૂના મંદિરના સમારકામ અને બ્યુટીફિકેશનનું કામ રિલાયન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે.