3 ઈડિયટ્સના એક્ટર અખિલ મિશ્રાનું 58 વર્ષની વયે નિધન

ફિલ્મ 3 ઈડિયટ્સમાં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા અખિલ મિશ્રાનું ગુરુવારે 21 સપ્ટેમ્બરના રોજ 58 વર્ષની વયે નિધન થયું હતું. એક અહેવાલ અનુસાર, અખિલ મિશ્રા તેના રસોડામાં કામ કરી રહ્યા હતા અને લપસી ગયા હતા. તેમને માથામાં ઈજા થઈ હતી. તેમને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં થોડા કલાકોની સારવાર બાદ તેમનું […]

Share:

ફિલ્મ 3 ઈડિયટ્સમાં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા અખિલ મિશ્રાનું ગુરુવારે 21 સપ્ટેમ્બરના રોજ 58 વર્ષની વયે નિધન થયું હતું. એક અહેવાલ અનુસાર, અખિલ મિશ્રા તેના રસોડામાં કામ કરી રહ્યા હતા અને લપસી ગયા હતા. તેમને માથામાં ઈજા થઈ હતી. તેમને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં થોડા કલાકોની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. 

એક અહેવાલ અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે તેમની પત્ની-અભિનેત્રી સુઝાન બર્નર્ટ એક શૂટ માટે હૈદરાબાદમાં હતી. સમાચાર સાંભળીને સુઝાન બર્નર્ટ ઘરે પહોંચી. સુઝાન બર્નર્ટે કહ્યું હતું કે, “હું ખુબ દુઃખી છું, મેં મારા જીવનસાથીને ગુમાવ્યો છે.”

અખિલ મિશ્રાની ફિલ્મી સફર

અખિલ મિશ્રાએ ઘણી ફિલ્મોની સાથે સાથે ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું હતું. 3 ઈડિયટ્સ ઉપરાંત, અખિલ મિશ્રાએ હજારોં ખ્વાઈશે ઐસી, ભોપાલઃ અ પ્રેયર ફોર રેઈન, મેરે દોસ્ત પિક્ચર અભી બાકી હૈ, રેડિયો, બ્લુ ઓરેન્જ, ડોન, ક્રેમ, વેલ ડન અબ્બા, ગાંધી માય ફાધર, ઈસ રાત કી સુબહ નહીં, શિખર, કલકત્તા મેલ, કરીબ, ધત તેરે કી, કમલા કી મૌત અને હમારી શાદીમાં કામ કર્યું હતું. 

અખિલ મિશ્રાએ ભંવર, યમ હૈ હમ, પ્રધાનમંત્રી, ધ એડવેન્ચર ઓફ હાતીમ, દો દિલ બંધે એક ડોરી સે, ઉત્તરન, ઉડાન, મેરા દિલ દિવાના, પરદેસ મેં મિલા કોઈ અપના, હાતીમ, કદમ, સી હોક્સ, શ્રીમાન શ્રીમતી, ગૃહલક્ષ્મી કા જીન અને રજની જેવી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળ્યા હતા. ‘ઉત્તરન’ સિરિયલમાં ઉમેદ સિંહ બુંદેલાના રોલમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

પત્ની સુઝાન સાથે તેમના બીજા લગ્ન હતા

અખિલ મિશ્રાએ બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું નામ મંજુ મિશ્રા હતું, જેમની પાસેથી તેમણે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ, અખિલ મિશ્રા અને જર્મન અભિનેત્રી સુઝાન બર્નર્ટે 3 ફેબ્રુઆરી, 2009ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ 30 સપ્ટેમ્બર, 2011 ના રોજ પરંપરાગત રીતે ફરીથી લગ્ન કર્યા. અખિલ મિશ્રાએ સુઝાન બર્નર્ટે સાથે ક્રેમ અને મેરા દિલ દિવાનામાં કામ કર્યું હતું. સુઝાન બર્નર્ટે કસૌટી ઝિંદગી કી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને સાવધાન ઈન્ડિયામાં કામ કર્યું છે. 

પત્નીના સપોર્ટરની ભૂમિકા નિભાવી

અખિલ મિશ્રાએ તેમની પત્નીને હિન્દી અને અભિનય કૌશલ્ય શીખવ્યું હતું. અખિલ મિશ્રા પણ એક્ટિંગ કોચ તરીકે કામ કરતા હતા. 2019 માં અખિલ મિશ્રાએ મજનુ કી જુલિયટ નામની ટૂંકી ફિલ્મ શૂટ કરી, જે અખિલ મિશ્રાએ લખી હતી તેમજ તેમાં અભિનય અને દિગ્દર્શન પણ કર્યું હતું. અખિલ મિશ્રાના નિધનના સમાચાર જાણીને તેમના ચાહકો દુઃખી છે.