હોલિવુડની ટોચની સિંગર ટેલર સ્વિફ્ટની એક હાકલથી અમેરિકામાં 35,000 નવા મતદારો નોંધાયા

અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ખૂબ જ લોકપ્રિય ગાયિકા ટેલર સ્વિફ્ટે પોતાના ચાહકોને મતદાન માટે પ્રેરવા પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને તેની ખૂબ જ જોરદાર અસર પણ જોવા મળી છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ટેલર સ્વિફ્ટના 272 મિલિયન ફોલોઅર્સ છે. અમેરિકામાં ગત 19 સપ્ટેમ્બરના […]

Share:

અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ખૂબ જ લોકપ્રિય ગાયિકા ટેલર સ્વિફ્ટે પોતાના ચાહકોને મતદાન માટે પ્રેરવા પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને તેની ખૂબ જ જોરદાર અસર પણ જોવા મળી છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ટેલર સ્વિફ્ટના 272 મિલિયન ફોલોઅર્સ છે. અમેરિકામાં ગત 19 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય મતદાર નોંધણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ દિવસે ટેલર સ્વિફ્ટે પોતાના 272 મિલિયન ફોલોઅર્સને મતદાન માટે નોંધણી કરવાની પ્રેરણા આપવા માટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની મદદ લીધી હતી.

33 વર્ષીય ગાયિકા ટેલર સ્વિફ્ટે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં “શું તમે મતદાન માટે નોંધણી કરાવી છે કે હજુ નથી કરાવી?” તેવો સવાલ કર્યો હતો. આ સાથે જ ટેલર સ્વિફ્ટે Vote.org નામની એક બિનનફાકારી સંસ્થા જે લોકોને મતદાન માટે નોંધણી કરાવવામાં અને મતદાન કરવા માટે મદદરૂપ બને છે તેની લિંક શેર કરી હતી. 

ટેલર સ્વિફ્ટે લખ્યું હતું કે, “તાજેતરમાં મારા યુએસ શો દરમિયાન તમારા પૈકીના અનેક લોકોને જોઈને મને ખૂબ નસીબદાર હોવાની લાગણી અનુભવાઈ રહી છે. મેં તમને લોકોને તમારો અવાજ ઉઠાવતા સાંભળ્યા છે અને મને ખબર છે તે કેટલો શક્તિશાળી છે. આ વર્ષે આપણી ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ કરશો જ તેની ખાતરી કરી લો.”

‘બ્લેન્ક સ્પેસ’ ગીતની ગાયિકા ટેલર સ્વિફ્ટના ચાહકોએ તેની આ હાકલને ખૂબ ઉત્સાહપૂર્વક રીતે પ્રતિસાદ આપ્યો હતો. Vote.orgના કોમ્યુનિકેશન ડાયરેક્ટર નિક મોરોના કહેવા પ્રમાણે ટેલર સ્વિફ્ટની આ હાકલ બાદ વેબસાઈટ પર દર અડધા કલાકે સરેરાશ 13,000 યુઝર્સની સક્રિયતા જોવા મળી રહી છે. આ સાથે જ નિક મોરોએ પોતાની X (ટ્વિટર) પોસ્ટમાં ટેલર સ્વિફ્ટે પોતાની ‘માસ્ટર માઈન્ડ’ તરીકેની પ્રતિષ્ઠા ખૂબ સારી રીતે કમાઈ હોવાનું લખ્યું હતું. 

ટેલર સ્વિફ્ટની હાકલ બાદ બીજા દિવસે Vote.orgના સીઈઓ એન્ડ્રીઆ હેઈલીએ X (ટ્વિટર) પોસ્ટ દ્વારા ટેલર સ્વિફ્ટની અપીલની શું અસર જોવા મળી તે અંગે વિગતે માહિતી રજૂ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ટેલર સ્વિફ્ટની પોસ્ટના પરિણામે 35,000 નવા મતદારોની નોંધણી થઈ છે. આ આંકડો 2022ના વર્ષની સરખામણીએ 22.5 ટકા વધારે છે. ઉપરાંત પાછલા વર્ષની સરખામણીએ 18 વર્ષીય મતદારોની નોંધણીમાં 115 ટકાનો વધારો સૂચવે છે. 

આ સાથે જ હેઈલીએ 50,000 લોકોએ પોતાના રજિસ્ટ્રેશન સ્ટેટસની ચકાસણી કરી હોવાનું પણ જણાવ્યું હતું. ટેલર સ્વિફ્ટે ભૂતકાળમાં પોતાનો રાજકીય દૃષ્ટિકોણ જાહેર કરવાનું ટાળ્યું હતું. આ કારણે તેના અમુક ચાહકોએ તેની ટીકા પણ કરી હતી. ખાસ કરીને 2016માં હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની રાષ્ટ્રપતિ પદની હરીફાઈ દરમિયાન ટેલર સ્વિફ્ટે પોતાનો રાજકીય અભિગમ વ્યક્ત કરવાનું ટાળ્યું હતું.