બહેન અર્પિતાના ઘરે ભાણી આયતને તેડીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારતો જોવા મળ્યો સલમાન ખાન

દિવાળી પર અભિનેતા સલમાન ખાન અને કેટરિના કૈફને ચમકાવતી ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ સલમાન ખાન ખૂબ ચર્ચામાં રહે છે. જોકે તાજેતરમાં અન્ય એક કારણથી પણ સલમાન ખાને પોતાના ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. હકીકતે મંગળવારના રોજ ગણેશ ચતુર્થીનો દિવસ સલમાન ખાન માટે ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો.  ગણેશ […]

Share:

દિવાળી પર અભિનેતા સલમાન ખાન અને કેટરિના કૈફને ચમકાવતી ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈ સલમાન ખાન ખૂબ ચર્ચામાં રહે છે. જોકે તાજેતરમાં અન્ય એક કારણથી પણ સલમાન ખાને પોતાના ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. હકીકતે મંગળવારના રોજ ગણેશ ચતુર્થીનો દિવસ સલમાન ખાન માટે ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો. 

ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે સલમાન ખાન મંગળવારે સૌથી પહેલા તો પોતાના પરિવાર સાથે મુંબઈમાં બહેન અર્પિતા ખાન શર્માના ઘરે ગયો હતો. ત્યાં સલમાન ખાને ગણપતિ બાપ્પાની આરતી પણ કરી હતી. સલમાન ખાને અર્પિતા અને આયુષ શર્માની દીકરી, પોતાની ભાણી આયતને તેડીને સ્ટીલની થાળી હાથમાં પકડીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારી હતી. મામા-ભાણીએ ગણપતિ બાપ્પાની આરતી ઉતારી ત્યારે ત્યાં ઉભેલા અન્ય લોકો ગણપતિ બાપ્પાની સ્તુતિ ગાવાની સાથે તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. 

તે સમયે સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન પણ ત્યાં જોવા મળ્યા હતા. સલમાન ખાનની બીજી બહેન અલવીરા અગ્નિહોત્રી ત્યાં પોતાના પતિ અતુલ અગ્નિહોત્રી સાથે અને ભાઈ સોહેલ ખાન પોતાના મોટા દીકરા સાથે ત્યાં હાજર રહ્યો હતો. ઉજવણીમાં સલીમ ખાનના બીજા પત્ની હેલન પણ જોડાયા હતા. અર્પિતા ખાન શર્માના ઘરે સલમાન ખાન ઉપરાંત શમિતા શેટ્ટી, યુલિયા વંતુર, વરૂણ ધવન અને નતાશા દલાલ સહિતની સેલિબ્રિટી પણ જોવા મળી હતી. 

શાહરૂખ ખાને પણ કરી ગણેશ ચતુર્થીની ઉજવણી

સલમાન ખાનના અંગત મિત્ર શાહરૂખ ખાને પણ મંગળવારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. શાહરૂખ ખાને પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર પોતાના ઘરે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું તેની તસવીર શેર કરી હતી. આ સાથે જ શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, “વેલકમ હોમ ગણપતિ બાપ્પાજી. તમને અને તમારા પરિવારને ભગવાન ગણેશનો આ દિવસ શુભ રહે તેવી અભ્યર્થના. ભગવાન ગણેશ આપણને સૌને સુખ, શાણપણ, સારા સ્વાસ્થ્ય અને ઘણાં બધા મોદક ખાઈ શકીએ તે માટે આશીર્વાદ આપે.” 

અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી

મંગળવારે રાત્રિના સમયે સલમાન ખાન અને શાહરૂખ ખાન એન્ટિલિયા ખાતે અંબાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલી ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સામેલ થયા હતા. અંબાણી પરિવારના ત્યાં સલમાન ખાન પોતાની બીજી ભાણી અલીઝેહ અગ્નિહોત્રી સાથે હાજર રહ્યો હતો. જ્યારે શાહરૂખ ખાને પોતાની પત્ની ગૌરી ખાન અને તેની માતા, દીકરા અબ્રામ અને દીકરી સુહાના સાથે હાજરી આપી હતી.

નોંધનીય છે કે, શાહરૂખ ખાન હાલ ફિલ્મ જવાનની સફળતાનો આનંદ માણી રહ્યો છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ્સ બ્રેક કર્યા છે.