BJPએ શાહરૂખ ખાનનો આભાર માન્યો, કહ્યું-“જવાન ફિલ્મે ભ્રષ્ટ કોંગ્રેસને બેનકાબ કરી” 

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફિલ્મ ‘જવાન’ને લઈ બોલિવુડના કિંગખાન ગણાતા શાહરૂખ ખાનની પ્રશંસા કરી છે. આ સાથે જ BJPએ જવાન ફિલ્મના માધ્યમથી કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યું છે. BJP દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, જવાન ફિલ્મ કોંગ્રેસના 10 વર્ષોના ભ્રષ્ટ અને પોલિસી પેરાલિસિસગ્રસ્ત શાસનને ઉજાગર કરે છે.  ગૌરવ ભાટિયાએ જવાન અંગે પોસ્ટ […]

Share:

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફિલ્મ ‘જવાન’ને લઈ બોલિવુડના કિંગખાન ગણાતા શાહરૂખ ખાનની પ્રશંસા કરી છે. આ સાથે જ BJPએ જવાન ફિલ્મના માધ્યમથી કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યું છે. BJP દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, જવાન ફિલ્મ કોંગ્રેસના 10 વર્ષોના ભ્રષ્ટ અને પોલિસી પેરાલિસિસગ્રસ્ત શાસનને ઉજાગર કરે છે. 

ગૌરવ ભાટિયાએ જવાન અંગે પોસ્ટ શેર કરી

BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જવાન ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, “આપણે જવાન ફિલ્મ દ્વારા વર્ષ 2004થી 2014 સુધીના ભ્રષ્ટ અને પોલિસી પેરાલિસિસગ્રસ્ત કોંગ્રેસ શાસનને ઉજાગર કરવા બદલ શાહરૂખ ખાનનો આભાર માનવો જોઈએ.”

આ સાથે જ ગૌરવ ભાટિયાએ એવો દાવો કર્યો હતો કે, શાહરુખ ખાનની જવાન ફિલ્મ દર્શકોને યુપીએ સરકાર વખતના ‘દુઃખદ રાજનૈતિક અતીત’ની યાદ અપાવે છે. વધુમાં ગૌરવ ભાટિયાએ 2009 અને 2014 દરમિયાન યુપીએ-2 શાસન દરમિયાન થયેલા CWG, 2G અને કોલગેટ સહિતના વિવિધ કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ક્લિન રેકોર્ડ જાળવી રાખ્યો છે. છેલ્લા 9.5 વર્ષમાં એક પણ કૌભાંડ નથી થયું. ભાજપના પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, જેવું એ કહે છે (શાહરૂખ ખાન), “અમે જવાન છીએ. અમારો જીવ હજાર વખત દાવ પર લગાવી શકીએ છીએ, પરંતુ ફક્ત દેશ માટે, તમારા જેવા દેશ વેચવાવાળાઓ માટે બિલકુલ નહીં.” આ ગાંધી પરિવાર માટે બિલકુલ યોગ્ય બેસે છે. 

ફિલ્મ જવાન દ્વારા કોંગ્રેસ પર પ્રહાર

BJP નેતાએ એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસ શાસન દરમિયાન ઓછામાં ઓછા 1.6 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે એનડીએ સરકારે એમએસપી લાગુ કર્યો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 2.55 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. 

ગૌરવ ભાટિયાએ આટલેથી ન અટકતાં એમ પણ કહ્યું હતું કે, “કોંગ્રેસ શાસને દેવું ન ચુકવનારા મિત્રોને લોન આપી. ભાગેડુ વિજય માલ્યાએ પહેલાની લોન ચુકવ્યા વગર જ બીજી લોન આપવા માટે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહનો આભાર માન્યો. ધન્યવાદ, શાહરૂખ ખાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રકારના મુદ્દા અતીતની વાત થઈ ચુક્યા છે.”

નોંધનીય છે કે, BJP નેતાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે રાજકીય કોરિડોરમાં ફિલ્મ જવાનને લઈ કોલ્ડ વોર ચાલી રહ્યું છે. કેટલાક કોંગ્રેસી નેતાઓએ ફિલ્મ જવાનની પ્રશંસા કરીને શું સરકાર આ ફિલ્મને ગદરની જેમ પ્રદર્શિત કરશે તેવો સવાલ કર્યો હતો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, જવાન ફિલ્મના ડાયલોગ એ જ છે જે અરવિંદ કેજરીવાલ હંમેશા કહેતા આવ્યા છે. ત્યારે હવે BJP નેતા ગૌરવ ભાટિયાની આ પોસ્ટ જોતા કહી શકાય કે, ફિલ્મ જવાનને લઈ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે.