2015માં જ બનવાની હતી બોર્ડર 2, સની દેઓલે જાહેર કર્યું મેકર્સના ડરનું કારણ

અભિનેતા સની દેઓલ હાલ પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા સની દેઓલે ઘણાં વર્ષો પછી મોટા પડદા પર ધમાકેદાર કમબેક કર્યું છે. ગદર 2ની સફળતા બાદ બોર્ડર 2 બનવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે તરત જ ડિરેક્ટર જે.પી. દત્તાએ આવી કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા […]

Share:

અભિનેતા સની દેઓલ હાલ પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા સની દેઓલે ઘણાં વર્ષો પછી મોટા પડદા પર ધમાકેદાર કમબેક કર્યું છે. ગદર 2ની સફળતા બાદ બોર્ડર 2 બનવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે તરત જ ડિરેક્ટર જે.પી. દત્તાએ આવી કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા કરી હતી. ત્યારે હવે સની દેઓલે બોર્ડર 2 અંગે એક રહસ્ય ઉજાગર કર્યું છે. 

બોર્ડર 2 અંગે મહત્વનો ખુલાસો

ગદર 2ની બ્લોકબસ્ટર સફળતા બાદ સની દેઓલની 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડરની સિક્વલ બનવાના સમાચારો ચર્ચામાં આવ્યા હતા. જોકે અભિનેતાએ પોતે હજુ સુધી કોઈ ફિલ્મ સાઈન ન કરી હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. ત્યારે હવે સની દેઓલે ધ રણવીર શોમાં બોર્ડર 2 અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. 

સની દેઓલે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં જ બોર્ડર 2નું કામ શરૂ થવાનું હતું પરંતુ તે અટકાવી દેવામાં આવ્યું હતું. તે ઘટના અંગે સની દેઓલે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મારા સાંભળવામાં પણ આવ્યું છે. અમે બહુ પહેલા જ તે ફિલ્મ કરવાના હતા…2015માં. પણ પછી મારી ફિલ્મ પીટાઈ ગઈ એટલે લોકો ડરી ગયા અને નહોતા બનાવવા માગતા. હવે સૌ એમ કહે છે કે અમારે બનાવવી છે.”

બોર્ડર અંગે સની દેઓલે શું કહ્યું

સની દેઓલે બોર્ડર 2 બનાવવા અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, “એ બધા જ પાત્રો ખૂબ વ્હાલા હતા. આજે હું કોઈ ફિલ્મ જોઉં છું તો મને લાગે છે કે મને એ પાત્રોનો વિસ્તાર મળ્યો. એવું કરવા ખૂબ મન થાય છે પણ એવી વાર્તા પણ હોવી જોઈએ જેથી પાત્રને ન્યાય આપી શકાય. લોકો જે મજા મળ્યાની આશા લઈને જાય છે તે મજા તેમને મળે તે પણ જોવાનું થાય. લોકોને મારી ફિલ્મ ગદર 2માં એ મજા મળી રહી છે.”

2015માં સની દેઓલની ફિલ્મને ન મળ્યો પ્રતિસાદ

2015માં રાધિકા રાવ અને વિનય સપ્રૂની રોમેન્ટિક કોમેડી આઈ લવ ન્યૂ યર આવી હતી જેમાં સની દેઓલ અભિનેત્રી કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ભૂષણ કુમારની ટી-સીરિઝ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી. સની દેઓલે આ ફિલ્મનો જ ઉલ્લેખ કર્યો હતો જેની નિષ્ફળતા બાદ બોર્ડર 2 નહોતી બની શકી.