આદિપુરુષ ફરી વિવાદમાં: ફિલ્મનાં નવા પોસ્ટર સામે ફરિયાદ 

મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આદિપુરુષ ફિલ્મના નિર્માતા, પ્રભાસ અને કૃતિ સેનન તેમજ નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સંજય દીનાનાથ તિવારી દ્વારા કરાઇ છે. આ ફરિયાદ તેમણે મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા કરી છે જેમાં ફરિયાદીએ  પોતાને સનાતન ધર્મના ધર્મોપદેશક ગણાવ્યા છે.  સંજય તિવારી દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે, […]

Share:

મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આદિપુરુષ ફિલ્મના નિર્માતા, પ્રભાસ અને કૃતિ સેનન તેમજ નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સંજય દીનાનાથ તિવારી દ્વારા કરાઇ છે. આ ફરિયાદ તેમણે મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા કરી છે જેમાં ફરિયાદીએ  પોતાને સનાતન ધર્મના ધર્મોપદેશક ગણાવ્યા છે. 

સંજય તિવારી દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે, આદિપુરુષ ફિલ્મના નિર્માતા ઓમ રાઉતે મૂવીના પોસ્ટરમાં હિન્દુ ધાર્મિક ગ્રંથ રામચરિત માણસના પાત્રને પૂરતો ન્યાય આપ્યો નથી અને અયોગ્ય રીતે દર્શાવ્યું છે. જેનાથી હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે તેમ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે

કરાયેલી  ફરિયાદમાં  ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે.

પવિત્ર ગ્રંથ રામચરિત માનસ, હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથમાંથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરિત્ર પર આ ફિલ્મ બનાવાઇ છે ત્યારે પોસ્ટરમાં બતાવાયેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને હિંદુ ધર્મગ્રંથમાં ઉલ્લેખિત રામચરિતમાનસની પ્રાકૃતિક ભાવના અને પ્રકૃતિની વિરુદ્ધ પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે, તેમ જણાવાયું છે. 

 ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં બાહુબલી તરીકે ઓળખ મેળવનાર પ્રભાસ રામની ભૂમિકામાં, કૃતિ સેનન સીતાની ભૂમિકા અને સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવતા જોવા મળશે. અગાઉ આ આદિપુરુષ  ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારે સૈફ અલી ખાન અભિનીત રાવણના દેખાવને લઈને ઘણો હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મની દરેક અપડેટને હજુ સુધી સતત નકારાત્મક પ્રતિભાવો જ મળ્યા છે. 

આદિપુરુષના નિર્માતાઓએ રામ નવમી પ્રસંગે ફિલ્મનું એક નવું પોસ્ટર રજૂ કર્યું હતું.  પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનનને સીતા, સની સિંહને લક્ષ્મણ અને દેવદત્ત નાગેને હનુમાનની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે. જેમણે અગાઉ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરનું નિર્દેશન કર્યું છે.

નોંધનીય છે કે ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત, આ ફિલ્મનું પોસ્ટર ખૂબ ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ એવું લાગે છે કે બધા ચાહકો તેનાથી ખુશ નથી. ઘણી વખત એક યા બીજા કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે. ત્યારે હાલમાં કરાયેલી વધુ એક ફરિયાદ ફિલ્મ માટે વધુ અવરોધ ઊભા કરશે તેમ લાગી રહ્યું છે.