IFFI 2023: વિદ્યા બાલને કહ્યું, તેના માટે કેમેરા સામે તેની સાઈઝ કોઈ મહત્વ નથી ધરાવતી

વિદ્યાએ જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે તે પોતાના શરીરને સતત નફરત કરતી હતી

Courtesy: Image: Twitter

Share:

 

IFFI 2023: વિદ્યા બાલન એક એવી અભિનેત્રી છે જેણે પોતાની શારીરિક સમસ્યાઓને કે પોતાને મળેલા દરેક પાત્રને પોતાની તાકાત તરીકે વાપરીને એક આગવી ઓળખ ઉભી કરી છે. ગોવા ખાતે 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2023 (IFFI 2023)ના કાર્યક્રમ દરમિયાન કલાકાર અને રાજનેતા વાની ત્રિપાઠી ટીકુ સાથેની વાતચીત વખતે વિદ્યાએ પોતાના શરીરના દેખાવ અંગે ખૂબ જ મહત્વની વાતો કરી હતી. 

 

એક સમય એવો હતો જ્યારે વિદ્યા બાલનના કામ કરતા તેના દેખાવને લઈ વધારે સમાચાર બની રહ્યા હતા. જોકે વિદ્યાએ પોતાની જિંદગીના એ સમયને હંમેશા પોતાના દેખાવ, વજન માટે ચિંતિત રહેતી મહિલાઓ માટે પ્રેરણારૂપ બનાવી દીધો છે. 

IFFI 2023 દરમિયાન દેખાવ અંગે કરી મહત્વની વાત

વિદ્યાએ જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે તે પોતાના શરીરને સતત નફરત કરતી હતી. તે સતત એમ વિચારતી અને પોતાના શરીરને કોસતી કે પોતે જેવી દેખાવા ઈચ્છે છે તેવું તે નથી. આ કારણે તે સતત બીમાર પડી રહી હતી. ત્યાર બાદ 12 વર્ષ પહેલા તેણે એક હીલર સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેને સમજાયુ હતું કે, પોતે એ વસ્તુનો દુરૂપયોગ કરી રહી છે જે તેને જીવંત રાખવામાં મદદરૂપ બની રહી છે. 

 

44 વર્ષીય વિદ્યા બાલને જણાવ્યું કે, જ્યારથી તેને સમજાયું ત્યારથી તેણે પોતાને જીવંત રાખવા બદલ પોતાના શરીર અને દરેક શ્વાસનો આભાર માનવાનું શરૂ કર્યું હતું. તેણે પોતાના પર વિશ્વાસ મુકવાનું શરૂ કર્યું અને આ ઘટના તેના માટે ગેમ ચેન્જર બની રહી હતી.

 

વિદ્યાએ જણાવ્યું કે, હવે તે જ્યારે પણ સવારે જાગે તેને પોતાના માટે ખૂબ જ સારી લાગણીનો અનુભવ થાય છે. ઘણી વખત આપણું શરીર આપણી ગુસ્સા, થાક, ઈર્ષ્યા, પીડા સહિતની વિવિધ લાગણીઓ પણ વ્યક્ત કરતું હોય છે. જોકે આવી કોઈ પણ સ્થિતિ તમને નાના નથી બનાવતી.

કેમેરા સામે દેખાવ મહત્વનો નથી

વિદ્યા બાલને ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે જ્યારે પણ કેમેરાનો સામનો કરે છે ત્યારે તેની સાઈઝ તેના માટે કદી પણ મહત્વ નથી ધરાવતી. વિદ્યાના કહેવા પ્રમાણે તે કેમેરાને એટલી હદે પ્રેમ કરે છે કે, તેને વિશ્વાસ છે કે, હંમેશા તેને બદલામાં પ્રેમ જ મળવાનો છે. 

 

નોંધનીય છે કે, વિશ્વની સૌથી મોટી ફિલ્મ અને કલ્ચરલ સેરેમની ગણાતો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2023 (IFFI 2023) ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે અને 28મી નવેમ્બરના રોજ તેના અંતિમ દિવસે અનેક કલાકારોનું વિવિધ એવોર્ડ્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Tags :