શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ઓપનિંગ ડે માટે અમેરિકામાં રૂ. 1 કરોડથી પણ વધારેની ટિકિટનું એડવાન્સ બુકિંગ

પોતાની છેલ્લી ફિલ્મ ‘પઠાણ’ની અસાધારણ સફળતા બાદ બોલિવુડના કિંગ ખાન ગણાતા અભિનેતા શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ ‘જવાન’ને લઈને ખૂબ જ ઉત્સુક જણાઈ રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા શાહરૂખ ખાનના ચાહકો પણ ફિલ્મ ‘જવાન’ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં ફિલ્મના ઓપનિંગ શોની 1 કરોડથી પણ વધારે રૂપિયાની ટિકિટ વેચાઈ ગઈ છે. આમ, રિલીઝ […]

Share:

પોતાની છેલ્લી ફિલ્મ ‘પઠાણ’ની અસાધારણ સફળતા બાદ બોલિવુડના કિંગ ખાન ગણાતા અભિનેતા શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ ‘જવાન’ને લઈને ખૂબ જ ઉત્સુક જણાઈ રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા શાહરૂખ ખાનના ચાહકો પણ ફિલ્મ ‘જવાન’ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં ફિલ્મના ઓપનિંગ શોની 1 કરોડથી પણ વધારે રૂપિયાની ટિકિટ વેચાઈ ગઈ છે. આમ, રિલીઝ પહેલા જ ફિલ્મ ‘જવાન’ ટિકિટ વેચાણ મામલે પણ આગળ વધી રહી છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝને હવે 2 સપ્તાહથી પણ ઓછા દિવસ બાકી છે અને પઠાણની ધમાકેદાર સફળતા બાદ ફરી એક વખત શાહરૂખ ખાન મોટા પડદા પર છવાઈ જવા માટે આતુર છે. ફિલ્મ પઠાણની વાત કરીએ તો આ ફિલ્મ હાલ ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી (રૂ. 543 કરોડ) ફિલ્મ છે. સાથે જ તે યુએસમાં સૌથી વધારે કમાણી કરનારી બીજી ભારતીય ફિલ્મ છે.

જોકે ભારતમાં ફિલ્મ પઠાણના રેકોર્ડને સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ફિલ્મ ગદર 2 જોરદાર ટક્કર આપી રહી છે. સની દેઓલની ગદર 2 ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ અમેરિકામાં ફિલ્મ ‘જવાન’ શાહરૂખ ખાનની જ ફિલ્મ પઠાણને જોરદાર ટક્કર આપવા તૈયાર જણાઈ રહી છે. 

અમેરિકામાં મહિના અગાઉથી જવાનનું એડવાન્સ બુકિંગ

અમેરિકામાં એક મહિના અગાઉથી જ ફિલ્મ જવાન માટેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં 2D, XD અને IMAX ફોર્મેટમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ગત સપ્તાહે યુનાઈટેડ આરબ અમીરાત્સમાં પણ ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. યુએઈ અને યુએસના ફિલ્મ રસિકોમાં શાહરૂખ ખાનનો ભારે જાદુ વ્યાપેલો છે. 

અમેરિકામાં કુલ 367 સ્થળોએ ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ આશરે 1,600 શોની ગણતરી છે. 

અમેરિકામાં બુધવાર સવાર સુધીમાં જ ફિલ્મ જવાન માટેની 9,700 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ચુક્યું છે. આમ અમેરિકામાં ફિલ્મ રિલીઝ પહેલા જ રૂપિયા 1.2 કરોડનું બોક્સ કલેક્શન આવી ગયું છે. ફિલ્મ રિલીઝને હજુ 2 સપ્તાહ જેટલો સમય બાકી છે અને આ સમય દરમિયાન ફિલ્મ મેકર્સ દ્વારા અનેક પ્રમોશનલ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવેલું છે. 

ફિલ્મ જવાનના હિન્દી શો માટે આશરે 9,2000 ટિકિટ, તેલુગુ માટે 360 ટિકિટ અને તમિલ શો માટે 200 ટિકિટોનું વેચાણ થઈ ચુક્યું છે. જ્યારે IMAX માટે લગભગ 2,668 ટિકિટો વેચાઈ છે. 

જવાનની સ્ટાર કાસ્ટ

ફિલ્મ જવાનમાં નયનતારા, વિજય સેતુપતિ, કેમિયોમાં દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર સહિતના અનેક કલાકારો જોવા મળશે.