‘જેલર’ ફિલ્મના અભિનેતા જી મારીમુથુનું તમિલ ટીવી સીરિયલના ડબિંગ દરમિયાન હાર્ટ એટેકથી અવસાન

પ્રસિદ્ધ તમિલ અભિનેતા અને ડિરેક્ટર જી મારીમુથુનું શુક્રવારના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. સાઉથ ઈન્ડિયન આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આ દુઃખદ ઘટનાની જાણકારી રજૂ કરવામાં આવી હતી. જી મારીમુથુ તાજેતરમાં જ રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરમાં જોવા મળ્યા હતા.  જી મારીમુથુ 57 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે અને તમિલ ટીવી સીરિઝ એથિરનીચલમાં તેમના […]

Share:

પ્રસિદ્ધ તમિલ અભિનેતા અને ડિરેક્ટર જી મારીમુથુનું શુક્રવારના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. સાઉથ ઈન્ડિયન આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આ દુઃખદ ઘટનાની જાણકારી રજૂ કરવામાં આવી હતી. જી મારીમુથુ તાજેતરમાં જ રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરમાં જોવા મળ્યા હતા. 

જી મારીમુથુ 57 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે અને તમિલ ટીવી સીરિઝ એથિરનીચલમાં તેમના રોલને ખૂબ જ ખ્યાતિ મળી હતી. તેમણે ફિલ્મ મેકર મણિરત્નમ સહિત અન્ય લોકો સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. 

જી મારીમુથુ ચેન્નાઈ ખાતે એથિરનીચલ ટીવી શો માટે ડબિંગ કરી રહ્યા હતા તે સમયે શુક્રવારે સવારે આશરે 8:30 કલાકે અચાનક જ નીચે પડી ગયા હતા. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા પીઆર પ્રોફેશનલ જોનસનની ટ્વિટ પ્રમાણે જી મારીમુથુને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. 

જી મારીમુથુએ ફિલ્મોના ડિરેક્શન અને ટીવી શોમાં એક્ટિંગ ઉપરાંત 50થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. 1990માં જી મારીમુથુ ફિલ્મ ડાયરેક્ટર બનવાના સપના સાથે ચેન્નાઈ પહોંચ્યા હતા. શરૂમાં તેમણે હોટેલ્સમાં વેઈટર તરીકે કામ કર્યું હતું પરંતુ ટૂંક સમયમાં જ તેમની મુલાકાત ગીતકાર વૈરામુથુ સાથે થઈ હતી અને તેમને રાજકિરણ સાથે અરનમનઈ કિલી (1993) અને એલ્લામે એન રસથન (1995) જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ મળી ગયું હતું. 

મારીમુથુએ મણિરત્નમ, વસંત, સીમાન અને એસજે સૂર્યા જેવા દિગ્ગજોની સાથે કામ કરવાની સાથે જ આસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકેની પોતાની કરિયર પણ ચાલુ રાખી હતી. 

જી મારીમુથુના નિધનથી તમિલ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપ્યો

જી મારીમુથુના અચાનક અવસાનથી તમિલ ઈન્ડસ્ટ્રીમાં પણ ભારે શોક વ્યાપ્યો છે. અભિનેતા રજનીકાંતે તેમના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, જી મારીમુથુ એક ટેલેન્ટેડ અભિનેતા હતા. તેમના અવસાનના સમાચારે મને શોક આપ્યો છે. 

જી મારીમુથુના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે હોસ્પિટલથી તેમના ચેન્નાઈ સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો દ્વારા ગૃહનગર થેની ખાતે જ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જી મારીમુથુના પરિવારમાં તેમના પત્ની બૈકિયાલક્ષ્મી અને બે બાળકો અકિલન અને ઈશ્વર્યા છે. 

સન પ્રોડક્શન હાઉસે જી મારીમુથુના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેત્રી રાધિકા સરથકુમારે પણ જી મારીમુથુના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે તેમના અવસાનના સમાચાર જાણીને પોતે સ્તબ્ધ બની ગઈ છે. અભિનેતા પ્રસન્ના પણ ભારે શોકમાં છે. તેઓ બંને ભાઈઓ જેટલા નિકટ સંબંધો ધરાવતા હતા. પ્રસન્નાએ જણાવ્યું કે, દિવંગત સ્ટારની જિંદગી બિલકુલ સરળ નહોતી પણ તેઓ એક્ટર તરીકે આખરે કશું સારૂ કરવા લાગ્યા હતા. તેમણે હજુ થોડો વધુ સમય રહેવાની જરૂર હતી.