SIIMA 2023માં બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યા બાદ જુનિયર NTRએ રામ ચરણ માટે વ્યક્ત કરી લાગણી

દુબઈ ખાતે આયોજિત કરવામાં આવેલા સાઉથ ઈન્ડિયન સિનેમાના સૌથી મોટા એવોર્ડ સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2023 (SIIMA 2023)ની રાત ખૂબ જ રંગીન રહી હતી. સાઉથ સિનેમાની દુનિયાના અનેક દિગ્ગજ કલાકારોએ SIIMA 2023માં હાજરી આપી હતી. આ કલાકારોને વર્ષ 2022-23માં રિલીઝ થયેલી તેમની શાનદાર ફિલ્મો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. SIIMA 2023ના એવોર્ડ શોમાં RRR […]

Share:

દુબઈ ખાતે આયોજિત કરવામાં આવેલા સાઉથ ઈન્ડિયન સિનેમાના સૌથી મોટા એવોર્ડ સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2023 (SIIMA 2023)ની રાત ખૂબ જ રંગીન રહી હતી. સાઉથ સિનેમાની દુનિયાના અનેક દિગ્ગજ કલાકારોએ SIIMA 2023માં હાજરી આપી હતી. આ કલાકારોને વર્ષ 2022-23માં રિલીઝ થયેલી તેમની શાનદાર ફિલ્મો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. SIIMA 2023ના એવોર્ડ શોમાં RRR સ્ટાર જુનિયર NTR અને કન્નડ સુપરસ્ટાર યશે બાજી મારી હતી. 

સાઉથ સિનેમાના એવોર્ડ ફંક્શન SIIMA 2023માં જુનિયર NTRને RRR માટે બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે એસએસ રાજામૌલીને RRR માટે બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  SIIMA 2023માં રાજામૌલીની RRR ખૂબ જોરદાર રીતે છવાઈ ગઈ હતી. RRR ફિલ્મમાં આદિવાસી નેતા ભીમના રોલ બદલ જુનિયર NTRને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટર (તેલુગુ) તરીકેનો એવોર્ડ મળ્યો હતો અને સમારંભ પહેલા જુનિયર NTR રેડ કાર્પેટ પર પણ છવાઈ ગયા હતા.

સ્ટેજ પરથી એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાની સ્પીચમાં જુનિયર NTRે RRR ફિલ્મમાં પોતાના કો-સ્ટાર રામ ચરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. SIIMA 2023 એવોર્ડ સમારંભ દરમિયાન ફિલ્મ મેકર કબીર ખાને જુનિયર NTRને બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 

RRRની ટીમ અને પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કરતા જુનિયર NTRએ કહ્યું હતું કે, “RRRમાં મને સાથ આપવા માટે મારી બાજુમાં પિલરની જેમ અડગતાથી ઉભા રહેલા મારા કો-સ્ટાર, મારા ભાઈ, મારા મિત્ર ચરણનો આભાર માનતા મને આનંદ થઈ રહ્યો છે. હું મારા ચાહકોનો પણ આભાર માનું છું. મારા દરેક ઉતાર-ચઢાવ દરમિયાન મારી પડખે ઉભા રહેનારા મારા તમામ ચાહકોને હું વંદન કરૂં છું. તમે દરેક સમયે મારો ટેકો બની રહ્યા છો. હું જ્યારે પણ તકલીફમાં હોઉં ત્યારે તમે સૌએ મારી સાથે આંસુ વહાવ્યા છે અને મારી ખુશીમાં તમે મારી સાથે રાજી થયા છો.”

RRRને મળેલા અન્ય એવોર્ડ

SIIMA 2023 એવોર્ડ સમારંભ દરમિયાન જુનિયર NTR કાળા રંગના સૂટમાં જોવા મળ્યા હતા. જુનિયર NTRએ પોતાના એવોર્ડ ઉપરાંત RRRના ડિરેક્ટર એસએસ રાજામૌલીની ગેરહાજરીના કારણે તેમના વતી બેસ્ટ ડિરેક્ટર (તેલુગુ)નો એવોર્ડ પણ સ્વીકાર્યો હતો. અન્ય મહત્વની શ્રેણીમાં પણ ફિલ્મને એવોર્ડ્સ મળ્યા હતા. 

ફિલ્મના મ્યુઝિક માટે એમએમ કિરવાનીને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર (તેલુગુ)નો એવોર્ડ મળ્યો હતો. RRRના ઓસ્કાર વિજેતા ગીત નાટુ નાટુ માટે ચંદ્રાબોઝને બેસ્ટ લિરિક્સ રાઈટર (તેલુગુ)નો એવોર્ડ મળ્યો હતો. સેંથિલ કુમારને RRR માટે બેસ્ટ સિનેમેટોગ્રાફર (તેલુગુ)નો એવોર્ડ મળ્યો હતો. 

જુનિયર NTR હાલ કોરતાલા શિવાની દેવરા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જુનિયર NTRની આ આગામી ફિલ્મ આવતા વર્ષે 5 એપ્રિલના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં જુનિયર NTR સાથે જ્હાન્વી કપૂર પણ જોવા મળશે.