ઈન્ડિયા/ભારત વિવાદ મુદ્દે કંગના રનૌતે રજૂ કર્યો પોતાનો પક્ષ, ‘ઈન્ડિયા’ને ગણાવ્યું ગુલામીનું પ્રતીક

અભિનેત્રી કંગના રનૌત પોતાની એક્ટિંગ ઉપરાંત તેના ધારદાર નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ તેણે ‘ઈન્ડિયા કે ભારત’ અંગેના નામ વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કંગના રનૌતે એક ખૂબ લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ‘ઈન્ડિયા’ નામના ઈતિહાસ અંગે પોતાનું જ્ઞાન શેર કરવાની સાથે જ ‘ભારત’ નામ વધારે સાર્થક હોવાનું જણાવ્યું […]

Share:

અભિનેત્રી કંગના રનૌત પોતાની એક્ટિંગ ઉપરાંત તેના ધારદાર નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ તેણે ‘ઈન્ડિયા કે ભારત’ અંગેના નામ વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કંગના રનૌતે એક ખૂબ લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ‘ઈન્ડિયા’ નામના ઈતિહાસ અંગે પોતાનું જ્ઞાન શેર કરવાની સાથે જ ‘ભારત’ નામ વધારે સાર્થક હોવાનું જણાવ્યું હતું. 

દેશનું નામ સત્તાવાર રીતે ‘ઈન્ડિયા’માંથી ‘ભારત’ કરવામાં આવશે તેવી શક્યતાઓ વચ્ચે કંગના રનૌતે ‘ભારત’ નામને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, પોતે 2021માં જ એ વાતનું અનુમાન લગાવેલું કે ટૂંક સમયમાં જ દેશનું નામ બદલીને ‘ઈન્ડિયા’માંથી ‘ભારત’ થવું જોઈએ. 

દેશનું નામ ભારત હોવું જોઈએઃ કંગના રનૌત

કંગનાએ મંગળવારના રોજ ટ્વિટર પર પોતાના જૂના ઈન્ટરવ્યુનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં તેણે 2 વર્ષ પહેલા દેશનું નામ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, “ઈન્ડિયા નામ આપણને અંગ્રેજો પાસેથી મળ્યું છે માટે દેશનું નામ ભારત હોવું જોઈએ.” કંગનાએ પોતાની જૂની ટ્વિટ શેર કરીને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને લખ્યું હતું કે, “,સૌને શુભેચ્છાઓ, આપણે સૌ ગુલામીના નામથી આઝાદ થઈ ગયા… જય ભારત.”

ઈન્ડિયા નામમાં પ્રેમ કરવા જેવું શું છે?: કંગના રનૌત

અન્ય એક ટ્વિટમાં કંગના રનૌતે લખ્યું હતું કે, “ઈન્ડિયા નામમાં પ્રેમ કરવા જેવું શું છે? સૌથી પહેલા તેઓ (વિદેશી આક્રમણકારો) સિંધુનું ઉચ્ચારણ ન કરી શક્યા તો તેમણે નામ બગાડીને ‘ઈન્ડસ’ કે ‘હિન્દોસ’ કરી દીધું. મહાભારત કાળથી કુરૂક્ષેત્રના મહાયુદ્ધમાં ભાગ લેનારા તમામ રાજ્ય ‘ભારત મહાદ્વીપ’ના નામથી ઓળખાતા હતા. તો તેઓ આપણને ઈન્દુ સિંધુ શા માટે કહી રહ્યા હતા?”

જૂની અંગ્રેજી પ્રમાણે ઈન્ડિયન એટલે ગુલામ

કંગના રનૌતે આગળ જણાવ્યું હતું કે, “ભારત નામ આટલું સટીક છે, ‘ઈન્ડિયા’નો અર્થ શું છે? એ લોકો આપણને રેડ ઈન્ડિયન કહેતા હતા કેમકે જૂની અંગ્રેજીમાં ઈન્ડિયનનો મતલબ માત્ર એક ગુલામ થતો હતો. તેમણે આપણને ઈન્ડિયન નામ આપ્યું કારણ કે તે આપણી નવી ઓળખ હતી જે આપણને અંગ્રેજોએ આપી હતી. જૂના જમાનાની ડિક્શનરીમાં પણ ઈન્ડિયનનો અર્થ ગુલામ દર્શાવાતો હતો પણ હવે તે બદલી દેવાયો છે. આ આપણું નામ નથી, આપણે ભારતીય છીએ, ઈન્ડિયન નહીં.”

નોંધનીય છે કે, G20 સમીટના ડીનરમાં સામેલ થનારા સદસ્યો માટે રાષ્ટ્રપતિ ભવનથી જે આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું છે તેના પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના સ્થાને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું છે ત્યારથી આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ છે.