માત્ર 10 વર્ષની કરિયરમાં જ સાકાર થયું કૃતિ સેનનનું સ્વપ્ન, જાણો નેશનલ એવોર્ડ માટે શું કહ્યું

અભિનેત્રી કૃતિ સેનનની તેની ફિલ્મ મિમિ માટે બેસ્ટ એક્ટ્રેસના નેશનલ ફિલ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કૃતિની સાથે આલિયા ભટ્ટને પણ આ એવોર્ડ મળ્યો છે. જોકે આ સન્માન મળવાથી ગદગદિત થઈ ગયેલી કૃતિ સેનને પોતાની ફિલ્મી કરિયરના એક દાયકાની અંદર જ આ પ્રકારની સિદ્ધિ મળી તેનું ખૂબ જ મહત્વ છે તેમ જણાવ્યું હતું.  કૃતિ […]

Share:

અભિનેત્રી કૃતિ સેનનની તેની ફિલ્મ મિમિ માટે બેસ્ટ એક્ટ્રેસના નેશનલ ફિલ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કૃતિની સાથે આલિયા ભટ્ટને પણ આ એવોર્ડ મળ્યો છે. જોકે આ સન્માન મળવાથી ગદગદિત થઈ ગયેલી કૃતિ સેનને પોતાની ફિલ્મી કરિયરના એક દાયકાની અંદર જ આ પ્રકારની સિદ્ધિ મળી તેનું ખૂબ જ મહત્વ છે તેમ જણાવ્યું હતું. 

કૃતિ સેનને વ્યક્ત કરી પોતાની લાગણી

તાજેતરમાં જ જ્યારે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ માટે કૃતિ સેનનના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણી એક મીટિંગમાં હતી. કૃતિ સેનને જણાવ્યું કે, જ્યારે બેસ્ટ એક્ટ્રેસ તરીકે તેના નામની પસંદગીની જાહેરાત કરવામાં આવી ત્યારે એક પળ માટે તે જાણે થીજી ગઈ હતી. ત્યાર બાદ તેણી પોતાના પિતાને ગળે લગાવવા માટે દોડી હતી અને તેણે પોતાની માતાને ફોન કરીને જ્યાં હોય ત્યાંથી આવી જવા માટે જણાવ્યું હતું. કૃતિની બહેન નૂપુર પણ ત્યાં આવી પહોંચી હતી. 

કૃતિના કહેવા પ્રમાણે તે એક ભાવનાત્મક ક્ષણ હતી અને પોતે તેને હંમેશા યાદ રાખશે. ખૂબ જ લાગણીશીલ બની ગયેલી કૃતિએ પોતાના નામની પસંદગી બાદ તેના મમ્મી નાચવા લાગ્યા હતા અને સૌ એકબીજાને ગળે લગાવતા હતા તેમ જણાવ્યું હતું. 

ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમથી આગળ આવી છે કૃતિ સેનન

33 વર્ષીય અભિનેત્રી કૃતિ સેનનની ફિલ્મ મિમિમાં સરોગેટ મધર તરીકેના અભિનય બદલ બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદગી કરવામાં આવી છે. કૃતિએ પોતે જ્યારે પણ ‘નેશનલ એવોર્ડ’ બોલે ત્યારે તેના રૂંવાડા ઉભા થઈ જતા હોવાનું સ્વીકાર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીની એક છોકરીએ ઈન્ડસ્ટ્રી સાથેના કોઈ પણ કનેક્શન વગર જ આ કરી બતાવ્યું તેના માટે દરેક પ્રકારની સ્વીકૃત્તિ, માન્યતા ખૂબ જ મહત્વની બની રહે છે.  

કૃતિ સેનનના કહેવા પ્રમાણે મિમિ જેવી ફિલ્મમાં કામ કરવાની તક મળવી એ કોઈ પણ કલાકાર માટે દુર્લભ વાત છે. તેમાં પણ નેશનલ એવોર્ડ એ ખૂબ મોટી બાબત કહેવાય અને દરેક કલાકારનું તે સ્વપ્ન હોય છે પરંતુ દરેકને તે સ્વપ્ન જીવવાની તક નથી મળતી. માત્ર એક દાયકાની સફરમાં જ આ સિદ્ધિ મેળવવી ખૂબ મોટી વાત કહી શકાય. 

2020માં ડાયરીમાં લખ્યું હતું સ્વપ્ન

કૃતિ સેનનના કહેવા પ્રમાણે 2020માં તેણે પોતાની ડાયરીમાં નેશનલ એવોર્ડને પોતાના સ્વપ્ન તરીકે આલેખ્યું હતું. જોકે આટલું ઝડપથી તે સ્વપ્ન સાકાર બનશે તેનો અંદાજો નહોતો. કૃતિ સેનનના કહેવા પ્રમાણે આ એવોર્ડ મેળવીને તે ખૂબ જ ધન્યતા અનુભવી રહી છે અને આ પુરસ્કારથી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.