Nana Patekar: અભિનેતા નાના પાટેકરે (Nana Patekar) તેમની ફિલ્મના સેટ પર તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરનાર એક યુવકને થપ્પડ મારવાના વાયરલ વિડિયો પર આખરે તેમનું મૌન તોડ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. હવે, નાના પાટેકરે વાયરલ ક્લિપ પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ "ભૂલથી" થયું છે.
નાના પાટેકરે (Nana Patekar) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ થપ્પડકાંડ વિશે વાત કરી. નાના પાટેકરે વીડિયોમાં કહ્યું કે, "સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે, આ સિક્વન્સ અમારી ફિલ્મનો એક ભાગ છે.
એક દ્રશ્ય હતું જેમાં પાછળથી એક માણસ પૂછે છે, શું તમે જૂની ટોપી વેચવા માંગો છો? આ પછી, જ્યારે તે મારી નજીક આવે છે, ત્યારે હું તેને પકડીને ફટકારું છું અને તેને ખરાબ વર્તન ન કરવા કહું છું અને પછી તે ભાગી જાય છે."
આ પછી નાના પાટેકરે કહ્યું કે મેં જેને થપ્પડ મારી હતી તે ફિલ્મનો ભાગ નથી. મે અમારી ફિલ્મના સીન પ્રમાણે જ તેને થપ્પડ મારી હતી પરંતુ મને ખબર ન હતી કે તે આ ફિલ્મમાં નથી પરંતુ સામાન્ય માણસ છે. આ પછી, અમે તેને બોલાવવા જઈએ ત્યાં સુધીમાં તે ત્યાંથી ભાગી જાય છે.
તેમણે કહ્યું કે, "અમે કોઈને ફોટો પાડવાની મનાઈ કરતા નથી. અહીં એટલી ભીડ હતી કે મને ખબર જ ન પડી કે અચાનક કેવી રીતે તે આવી ગયો. આ ભૂલથી થઈ ગયું છે, મને માફ કરી દો."
બોલિવૂડ અભિનેતા નાના પાટેકર (Nana Patekar)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક યુવકને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સમાં નાના પાટેકર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વીડિયો બનારસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શૂટિંગ સ્પોટ પર નાના પાટેકર (Nana Patekar) એક સીન માટે તૈયાર થઈ રહ્યા હોય છે. ત્યારે એક યુવક તેમની પાસે આવીને ઊભો રહી જાય છે અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આ જોઈને નાના પાટેકર લાલઘુમ થઈ જાય છે અને યુવકને જોરદાર થપ્પડ ઝીંકી દે છે. જ્યારે અન્ય એક શખ્સ યુવકની ગરદન પકડીને તેને બહાર ધકેલી મૂકે છે.