બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી છેલ્લા ઘણાં સમયથી સતત ફિલ્મો અને શોમાં અભિનય કરી રહ્યા છે. જોકે તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન પંકજ ત્રિપાઠીએ પોતે હવેથી ઓછી ફિલ્મો સાઈન કરશે જેથી પોતાને ફિલ્મના પાત્ર અંગેની તૈયારી કરવાનો સમય મળી રહે તેમ જણાવ્યું હતું.
ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના બિઝી શિડ્યુઅલ્સ અંગે વાત કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, “હું ઘણું વધારે કામ કરી રહ્યો હતો. હવે મને લાગે છે કે, મારે થોડું અટકવું જોઈએ. કારણ કે, એક ફિલ્મ બાદ બીજી ફિલ્મ વચ્ચે થોડા ગેપની જરૂર છે. તૈયારી અને પ્રિપેર કરવા સમય જોઈએ. મતલબ એવું કે નહીં આપણે છાપકામ માટેનું મશીન બની જઈએ. રાતે એક ફિલ્મ પૂરી થઈ અને બીજા દિવસે સવારે અન્ય કોઈ સેટ પર પહોંચી જઈએ.”
પંકજ ત્રિપાઠીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, જ્યારે ભૂખ લાગી હોય ત્યારે વધારે ખવાઈ જતું હોય છે. પંકજ ત્રિપાઠીના કહેવા પ્રમાણે કામે કેટલી બધી સ્પીડ પકડી લીધી હતી એ ખબર જ ન પડી. કામ મળતું જતું હતું એટલે તેમનું ધ્યાન જ ન ગયું અને તેઓ કામ કરતા ગયા.
વધુમાં પંકજ ત્રિપાઠીએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ હાલ 7-8 ફિલ્મો કરે છે તેના બદલે 3-4 ફિલ્મો જ કરશે. તેમના મતે ફિલ્મો ઓછી કરવાથી ગુણવત્તા પણ જળવાશે અને તેઓ કેરેક્ટરમાં કશું અલગ લાવી શકશે. કારણ કે કશું અલગ કરવા માટે સમય મળવો પણ જરૂરી છે.
નોંધનીય છે કે, પંકજ ત્રિપાઠી છેલ્લે અમિત રાયના કોર્ટ રૂમ ડ્રામા OMG 2માં જોવા મળ્યા હતા જે ઉમેશ શુક્લાની 2012માં આવેલી વ્યંગ ફિલ્મની સિક્વલ હતી. ફિલ્મમાં યામી ગૌતમ અને અક્ષય કુમાર મુખ્ય રોલમાં હતા અને અક્ષય કુમારે ફિલ્મના કો-પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું. ભારતમાં બોક્સ ઓફિસ પર તે ફિલ્મ 150 કરોડથી વધારે રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી.
પંકજ ત્રિપાઠી ભવિષ્યમાં ફુકરે 3માં જોવા મળશે જે 28 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં ઋચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ અને વરૂણ શર્મા સામેલ છે.
તે સિવાય પંકજ ત્રિપાઠી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘મૈં અટલ હૂં’નો પણ હિસ્સો છે. તે સિવાય પંકજ ત્રિપાઠી રાજકુમાર રાવ સાથે ‘સ્ત્રી 2’ અને ‘મેટ્રો ઈન દિનો’નો પણ હિસ્સો છે. સાથે જ દર્શકો તેમની લોકપ્રિય વેબ સીરિઝ ‘મિર્ઝાપુર 3’ની પણ રાહ જોઈ રહ્યા છે.