Rani Mukerji: આમિર ખાનની ફિલ્મ લગાનમાં કામ ન કરી શકવાનો ડંખ આજે પણ છે તાજો

રાની મુખર્જીએ જણાવ્યું હતું કે, ગોપી પુથરણ છેલ્લા અનેક મહિનાથી મર્દાની 3ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે

Courtesy: Twitter

Share:

Rani Mukerji: આમિર ખાન સાથેની ફિલ્મ ગુલામ દ્વારા બોલિવુડમાં પગદંડો જમાવી ખૂબ જ પ્રશંસા મેળવનારી અભિનેત્રી રાની મુખર્જી (Rani Mukerji)એ ફરી એક વખત પોતાની કારકિર્દી દરમિયાન મિસ કરેલી ફિલ્મ અંગે વસવસો દર્શાવ્યો હતો.

અભિનેત્રી રાની મુખર્જીના કહેવા પ્રમાણે તે આમિર ખાન સાથે વધુ એક ફિલ્મ કરવા ઈચ્છતી હતી પરંતુ તે શક્ય ન બન્યું અને આજે પણ તેને એ વાતનો ડંખ સતાવી રહ્યો છે. 


Rani Mukerjiને લગાન ન કરી શક્યાનું દુઃખ

દર્શકોએ ફિલ્મ ગુલામમાં આમિર ખાન અને રાની મુખર્જીની જોડીની ખૂબ જ પ્રશંસા કરી હતી અને ત્યાર બાદ રાની ફિલ્મ લગાનમાં પણ આમિર ખાન સાથે કામ કરવા ઈચ્છતી હતી. રાનીએ તે સમયને યાદ કરીને જણાવ્યું કે, "આમિરે મને કહ્યું હતું કે તે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે જેના માટે આખી ટીમે 6 મહિના સુધી એક જગ્યાએ રહેવું પડશે. આ તેની પ્રથમ ફિલ્મ હતી જે તે પ્રોડ્યુસ કરી રહ્યો હતો."

રાની મુખર્જીના કહેવા પ્રમાણે પોતે કોઈપણ કિંમતે તે ફિલ્મનો ભાગ બનવા માંગતી હતી, પરંતુ દુઃખની વાત એ હતી કે ત્યાં સુધીમાં તેણે એક ફિલ્મ સાઈન કરી લીધી હતી. તેણે આમિરની ફિલ્મમાં કામ કરવા માટે પોતાના પ્રોડ્યુસર સાથે પણ વાત કરી હતી અને શું પોતે ફિલ્મ છોડી શકે તેવો સવાલ પણ કર્યો હતો. જોકે પ્રોડ્યુસરે રાની મુખર્જી (Rani Mukerji)ને આ માટે સ્પષ્ટ ના કહી દીધી હતી. 

નોંધનીય છે કે, આશુતોષ ગોવારિકરની ફિલ્મ લગાન આજે પણ ચાહકોમાં સૌથી વધુ ફેમસ છે. આ ફિલ્મને ઓસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવી છે.


મર્દાની 3માં એક્શન અવતાર

રાની મુખર્જીની ફિલ્મ મર્દાની બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યાર બાદ ફિલ્મ મર્દાની 2નું પ્રદર્શન પણ ખૂબ સારૂ રહ્યું હતું. ત્યારે હવે રાની મુખર્જી ફિલ્મ મર્દાની 3 સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તત્પર છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. 

રાની મુખર્જીએ જણાવ્યું હતું કે, ગોપી પુથરણ છેલ્લા અનેક મહિનાથી મર્દાની 3ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને હવે તે લગભગ તૈયાર જ છે. ફેમસ ફિલ્મ નિર્માતા અને રાનીના પતિ આદિત્ય ચોપરાએ પણ મર્દાની 3ની સ્ક્રીપ્ટને ગ્રીન સિગ્નલ આપી દીધું છે ત્યારે આગામી વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મેકર્સે આ ફિલ્મ માટે કલાકારોની શોધ પણ આરંભી દીધી છે. અગાઉની બંને ફિલ્મમાં જિશુ સેનગુપ્તાની ભૂમિકા ખૂબ મહત્વની હતી ત્યારે આગામી ફિલ્મમાં પણ તેની હાજરીની શક્યતા છે.