રામ મંદિર કાર્યક્રમને લઈ કિલ્લામાં ફેરવાઈ 'અયોધ્યા', 84 કિમીની ત્રિજ્યામાં દારૂ પર પ્રતિબંધ

આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા યોગી સરકારની આ મોટી જાહેરાત છે. હવે અયોધ્યાના 84 કોસ પરિક્રમા વિસ્તારના રૂટ પર દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • રામનગરી અયોધ્યામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
  • શ્રી રામ નગરમાં 84 કોસ પરિક્રમા રોડ પર દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે રામ મંદિર અભિષેક સમારોહ પહેલા અયોધ્યાના 84 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના આબકારી મંત્રી નીતિન અગ્રવાલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય સાથેની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક બાજુ ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષવા માટે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં મર્યાદામાં પણ દારૂને મુક્તિ આપી જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્તર પ્રદેશ સરકારે 84 કિમીની ત્રીજ્યામાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે.

અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે હાલની તમામ દુકાનોને દૂર કરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રતિબંધ સમગ્ર અયોધ્યા મેટ્રોપોલિટન વિસ્તારને લાગુ પડતો નથી અને તે માત્ર 84 કોસી પરિક્રમા વિસ્તારોમાં જ લાગુ થશે.

આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30મી ડિસેમ્બરે પવિત્ર શહેરની મુલાકાતના બે દિવસ પહેલા નવા બનેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન માટે આવ્યો છે. દરમિયાન, સુરક્ષા કર્મીઓ દ્વારા સલામતી અવસ્થામાં વધારો થતાં મંદિર શહેર એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે.

સંસદમાં તાજેતરમાં બનેલી સુરક્ષા ભંગની ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાતને લઈને ખાસ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એનએસજી, એટીએસ અને એસટીએફના વિશેષ કમાન્ડોને કાર્યક્રમના સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે સરયુ નદી પર પણ કડક નજર રાખવા માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મોદીના લગભગ ત્રણ કલાકના કાર્યક્રમ દરમિયાન અયોધ્યાના દરેક ખૂણા પર નજર રાખવામાં આવશે. જો કે, આ સમયગાળા દરમિયાન અયોધ્યામાં બહારના લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ભારે વાહનોને અયોધ્યા સીમામાં પ્રવેશવા દેવાને બદલે તેને પૂર્વાંચલ એક્સપ્રેસ વે તરફ વાળવામાં આવશે. એ જ રીતે લખનૌ, ગોંડા અને કાનપુરથી અયોધ્યા તરફ જતા ભારે વાહનોને પણ વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

સ્પેશિયલ ડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું કે, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કુલ 3 ડીઆઈજી, 17 એસપી, 40 એડિશનલ એસપી, 82 ડેપ્યુટી એસપી, 90 ઈન્સ્પેક્ટર, 325 સબ ઈન્સ્પેક્ટર, 33 મહિલા સબ ઈન્સ્પેક્ટર, 2,000 કોન્સ્ટેબલ, 450 ટ્રાફિક પોલીસ, પીએસીની 14 કંપનીઓ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની છ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અયોધ્યામાં તહૈનાત રહેશે.