બાળપણમાં ધોળા દિવસે જાહેરમાં ઉત્પીડનનો શિકાર બન્યા હતા શેફાલી શાહ, કહ્યું- કોઈએ મદદ ન કરી

‘દિલ્હી ક્રાઈમ’માં ડીસીપી વર્તિકા ચતુર્વેદીનું પાત્ર ખૂબ જ દમદાર રીતે ભજવનારા અભિનેત્રી શેફાલી શાહ બીજી સિઝનમાં વધુ મજબૂત જોવા મળી રહ્યા છે. ડીસીપી વર્તિકા ચતુર્વેદીના પાત્ર માટે શેફાલી શાહ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023 માટે પણ નોમિનેટ થયા છે. શેફાલી શાહને બેસ્ટ પર્ફોર્મન્સને લઈ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.  ત્યારે શેફાલી શાહે તાજેતરમાં પોતે […]

Share:

‘દિલ્હી ક્રાઈમ’માં ડીસીપી વર્તિકા ચતુર્વેદીનું પાત્ર ખૂબ જ દમદાર રીતે ભજવનારા અભિનેત્રી શેફાલી શાહ બીજી સિઝનમાં વધુ મજબૂત જોવા મળી રહ્યા છે. ડીસીપી વર્તિકા ચતુર્વેદીના પાત્ર માટે શેફાલી શાહ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023 માટે પણ નોમિનેટ થયા છે. શેફાલી શાહને બેસ્ટ પર્ફોર્મન્સને લઈ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. 

ત્યારે શેફાલી શાહે તાજેતરમાં પોતે ખૂબ નાની ઉંમરે ઉત્પીડનનો શિકાર બન્યા હોવાનું જાહેર કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. શેફાલી શાહે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન મહિલા સુરક્ષા અંગે વાતચીત કરી હતી. ઉપરાંત પોતાના સાથે જાહેર રસ્તા પર ઉત્પીડન થયું હતું તે ઘટનાને યાદ કરીને બાકી મહિલાઓની જેમ પોતે પણ આ દુઃખનો સામનો કરી ચુક્યા હોવાનું જણાવ્યું હતું.  

દીકરાઓના યોગ્ય ઉછેર અંગે વાત કરવાની સાથે જ શેફાલી શાહે રસ્તા પર થયેલા ઉત્પીડનને યાદ કરીને તેમના મતે મોટા ભાગની મહિલાઓએ રોડ પર છેડતીનો સામનો કર્યો હોવાનું જણાવ્યું હતું. 

પોતાનો અનુભવ વર્ણવતા શેફાલી શાહે કહ્યું હતું કે, “મને યાદ છે, હું જ્યારે નાની હતી ત્યારે શાળાએથી પાછા આવતી વખતે બજારમાં મેં ઉત્પીડનનો સામનો કર્યો હતો. પણ હું ખૂબ નાની હતી એટલે કશું કરી ન શકી અને હું બસ ડરી ગઈ હતી અને કોઈ મારા સાથે ઉભું નહોતું રહ્યું. મતલબ કે, ત્યાં ભીડ હતી પણ કોઈ ન હતું જાણે. મને લાગે છે કે, ક્યાંકને ક્યાંક દરેક મહિલા આનો સામનો કરી ચુકી છે.”

શેફાલી શાહે દીકરાઓના ઉછેર અંગે શું કહ્યું?

શેફાલી શાહે કહ્યું હતું કે, દીકરીઓ ત્યારે જ સુરક્ષિત રહી શકે જ્યારે દીકરાઓનો યોગ્ય રીતે ઉછેર કરવામાં આવે. વધુમાં કહ્યું હતું કે, “ભલે હું કોઈ સેલિબ્રિટી હોઉં કે નહીં, મને ખરેખર વિશ્વાસ છે કે જો આપણાં દીકરાઓનો ઉછેર યોગ્ય રીતે કરીશું તો આપણી દીકરીઓ સુરક્ષિત રહેશે અને મારે 2 દીકરા છે. તેમને યોગ્ય રીતે ઉછેરવા મારી જવાબદારી છે. હું હંમેશા મારા દીકરાઓને કહું છું કે, બીજા લોકો સાથે એવો જ વ્યવહાર કરો જેવો તમે તમારી જાત સાથે એક્સપેક્ટ કરો છો.”

કરિયર અંગે છલકાયું દુઃખ

તાજેતરમાં શેફાલી શાહે પોતાની કરિયર અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, “મને લાગે છે કે, મારી કરિયર ખરેખર કામ કરવાથી વધારે રાહ જોવા પર કેન્દ્રિત રહી છે. મેં થોડા સમય માટે ટીવી પર કામ કર્યું છે પછી મેં સત્યા અને મોનસૂન વેડિંગ કરી. ત્યાર બાદ મને બાળકો થયા અને હું ઘરે રહેવા માગતી હતી. બાદમાં તેઓ મોટા થયા એટલે હું કામ કરી શકું તેમ હતી પણ મને જે કરવું હતું એવું કામ નહોતું મળી રહ્યું.”