હવે શાહરૂખની પત્ની ગૌરીને EDની નોટિસ, શું છે 30 કરોડનો મામલો?

કંપની પર બેંકો અને રોકાણકારો સાથે લગભગ 30 કરોડ રૂપિયાની ઉચાપત અને છેતરપિંડી કરવાનો આરોપ છે. જેના કારણે હવે ગૌરી ખાન પણ તપાસ માટે EDના રડાર પર આવી ગઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • EDએ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને છેતરપિંડીના કેસમાં નોટિસ મોકલી છે
  • કંપની પર 30 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ, કેસમાં ગૌરી પણ આરોપી

બીજ શોટ્સ, સેલિબ્રીટી અને નેતાઓને ત્યાં એન્ફોર્ર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ED ના દરોડા હવે દેશમાં સામાન્ય થઈ ગયા છે ત્યારે અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે જે મુજબ તેને EDએ તેમને નોટિસ મોકલી છે. ખરેખર, ગૌરી ખાન રિયલ એસ્ટેટ કંપની તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને 2015માં લખનૌની આ રિયલ એસ્ટેટ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. કંપની પર બેંકો અને રોકાણકારો સાથે લગભગ 30 કરોડ રૂપિયાની ઉચાપત અને છેતરપિંડી કરવાનો આરોપ છે. જેના કારણે હવે ગૌરી ખાન પણ તપાસ માટે EDના રડાર પર આવી ગઈ છે.

તુલસીયાની ગ્રૂપ સામે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ગૌરી ખાનને પણ આરોપી બનાવવામાં આવી હતી. આ કેસમાં ગૌરી ખાનની ટૂંક સમયમાં પૂછપરછ થઈ શકે છે. અહેવાલો અનુસાર, ગૌરી ખાનને પૂછવામાં આવશે કે તેનો કંપની સાથે કયો કોન્ટ્રાક્ટ હતો અને તેના માટે કેટલી રકમ ચૂકવવામાં આવી હતી.

શું છે આખો મામલો?
આ કેસ પહેલીવાર માર્ચ 2023માં પ્રકાશમાં આવ્યો હતો અને તે સુશાંત ગોલ્ફ સિટીના લખનૌ સ્થિત તુલસીયાની ગ્રુપના પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ પ્રોજેક્ટમાં મુંબઈના એક વ્યક્તિએ 2015માં ફ્લેટ ખરીદ્યો હતો, જેની કિંમત 85 લાખ રૂપિયા હતી. પરંતુ પૈસા ચૂકવ્યા બાદ પણ તેને આ ફ્લેટ મળ્યો ન હતો.

પૈસા ચૂકવ્યા પણ ફ્લેટ ના મળ્યો!
આ કેસમાં વ્યક્તિએ તુલસીયાની ગ્રુપ અને ગૌરી ખાન વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગૌરી ખાન આ પ્રોજેક્ટને સમર્થન આપતી હોવાથી તેણે તેને જોઈને તુલસીયાની ગ્રુપ દ્વારા ઘર ખરીદ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે પૈસા ચૂકવ્યા હતા પરંતુ મકાન મળ્યું નથી.