સુપરસ્ટાર રજનીકાંતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પગે લાગી આશીર્વાદ મેળવ્યા

અભિનેતા રજનીકાંતે લખનૌ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસ સ્થાને તેમની મુલાકાત લીધી હતી. સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મ ‘જેલર’ના સ્ક્રીનિંગ માટે યુપીની રાજધાની લખનૌ પહોંચ્યા છે. રજનીકાંતે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે એક મોલમાં ફિલ્મ જોઈને તેનું પ્રમોશન કર્યું હતું. જોકે સુપસ્ટાર રજનીકાંત યોગી આદિત્યનાથને પગે લાગ્યા તે વધુ રસપ્રદ મુદ્દો બન્યો […]

Share:

અભિનેતા રજનીકાંતે લખનૌ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસ સ્થાને તેમની મુલાકાત લીધી હતી. સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મ ‘જેલર’ના સ્ક્રીનિંગ માટે યુપીની રાજધાની લખનૌ પહોંચ્યા છે. રજનીકાંતે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે એક મોલમાં ફિલ્મ જોઈને તેનું પ્રમોશન કર્યું હતું. જોકે સુપસ્ટાર રજનીકાંત યોગી આદિત્યનાથને પગે લાગ્યા તે વધુ રસપ્રદ મુદ્દો બન્યો છે. 

રજનીકાંત ફિલ્મ જેલરના પ્રમોશનમાં વ્યસ્ત

રજનીકાંતે પોતાની ફિલ્મ ‘જેલર’ને દર્શકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મ સફળ બની તે અંગે પોતાનો આનંદ વ્યક્ત કરીને ફિલ્મ હિટ ગઈ તેને ઈશ્વરના આશીર્વાદ ગણાવ્યા હતા. રજનીકાંતે આ ફિલ્મના પ્રમોશન માટે અગાઉ ઝારખંડની રાજધાની રાંચીની પણ મુલાકાત લીધી હતી. 

ઉપરાંત શુક્રવારે તેમણે રાજ્યના ખૂબ જ પ્રખ્યાત એવા છિન્નમસ્તા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને રાંચીના ‘યગોદા આશ્રમ’માં એક કલાક સુધી ધ્યાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે રાજભવન ખાતે ઝારખંડના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત લીધી હતી. 

કેશવ પ્રસાદ મૌર્યએ કર્યા રજનીકાંતના વખાણ

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સુપરસ્ટાર રજનીકાંતની અભિનય કળાના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “મને જેલર નામની ફિલ્મ જોવાની તક મળી. મેં રજનીકાંતની અનેક ફિલ્મો જોઈ છે અને તેઓ એટલા પ્રતિભાશાળી અભિનેતા છે કે, ફિલ્મમાં વધારે કન્ટેન્ટ ન હોય તો પણ તેઓ પોતાના અભિનય વડે ફિલ્મનું મહત્વ વધારી દે છે.”

‘જેલર’ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ

ગત 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. માત્ર 8 જ દિવસમાં (17 ઓગસ્ટ સુધીમાં) આ ફિલ્મે ભારતમાંથી રૂ. 235.65 કરોડનું કલેક્શન મેળવ્યું છે. આ ફિલ્મને તમિલ, તેલુગુ અને હિન્દી સહિત અનેક ભાષાઓમાં રીલિઝ કરવામાં આવી છે. 

ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત એક એવા વ્યક્તિનો રોલ ભજવી રહ્યા છે જે પોતાના પોલીસકર્મી દીકરાના મૃત્યુનો બદલો લેવા ઈચ્છે છે. આ ફિલ્મમાં મોહનલાલ, શિવરાજકુમાર અને જેકી શ્રોફનો કેમિયો પણ છે. 

રજનીકાંતની યોગીજી સાથેની મુલાકાત ચર્ચાનો મુદ્દો બની

ઉત્તર પ્રદેશમાં સુપરસ્ટાર રજનીકાંત અને યોગી આદિત્યનાથની મુલાકાત એક રસપ્રદ ચર્ચાનો મુદ્દો બની છે. તેનું મુખ્ય કારણ રજનીકાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પગે લાગ્યા તે છે. રજનીકાંત આશરે 72 વર્ષના છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉંમર આશરે 51 વર્ષ છે. તેમ છતા રજનીકાંત યુપીના મુખ્યમંત્રીને પગે લાગ્યા તેનાથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જામી છે અને તે ઘટનાની તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જોકે અનેક લોકો આ ઘટનાને ભારતીય સંસ્કૃતિ અને સંત પરંપરાનું સન્માન ગણાવી રહ્યા છે.