146 દિવસ સુધી ચાલેલી હોલિવુડના લેખકોની ઐતિહાસિક હડતાળનો કામચલાઉ કરાર બાદ આખરે અંત

ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી હોલિવુડના સ્ક્રીન રાઈટર્સ, લેખકોની હડતાળનો આખરે અંત આવ્યો છે. આ હડતાળના કારણે હોલિવુડનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું અને સમગ્ર વિશ્વનું ધ્યાન તેના પર ખેંચાયુ હતું. આખરે 146 દિવસ સુધી ચાલેલી ઐતિહાસિક લડત બાદ રવિવારના રોજ આ હડતાળનો અંત આવ્યો છે જેથી હોલિવુડના લેખકો અને કલાકારોમાં આનંદ વ્યાપ્યો છે.  […]

Share:

ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી હોલિવુડના સ્ક્રીન રાઈટર્સ, લેખકોની હડતાળનો આખરે અંત આવ્યો છે. આ હડતાળના કારણે હોલિવુડનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું અને સમગ્ર વિશ્વનું ધ્યાન તેના પર ખેંચાયુ હતું. આખરે 146 દિવસ સુધી ચાલેલી ઐતિહાસિક લડત બાદ રવિવારના રોજ આ હડતાળનો અંત આવ્યો છે જેથી હોલિવુડના લેખકો અને કલાકારોમાં આનંદ વ્યાપ્યો છે. 

જાણો શા માટે ચાલી રહી હતી આ હડતાળ

સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ – અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ (SAG – AFTRA)એ રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા (WGA)ના સમર્થનમાં જૂન મહિના દરમિયાન હડતાળની જાહેરાત કરી હતી. સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ – અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ દ્વારા અલાયન્સ ઓફ મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર (AMPTP) સમક્ષ કેટલીક માગણીઓ રજૂ કરવામાં આવી હતી. 

આ સંઘ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે, હોલિવુડના લેખકોને વેબસીરિઝ માટે પણ ફિલ્મો અને ટીવી શોની માફક વેતનની ચુકવણી કરવામાં આવે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં ફિલ્મ જગતમાં કામ કરનારા લોકોની રોજગારી સુનિશ્ચિત કરવા માટે પણ માગણી કરવામાં આવી હતી. 

3 વર્ષ માટે કરાર

રવિવારે મોડી રાતે રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકાએ પોતાના કર્મચારીઓ સમક્ષ ઈ-મેઈલના માધ્યમથી હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી હતી. ઈ-મેઈલમાં લખ્યું હતું કે, “આપણે એક કામચલાઉ સમજૂતી સુધી પહોંચી ગયા છીએ જેમાં તમામ પ્રમુખ કરારનો ઉલ્લેખ છે. તેને અંતિમ કોન્ટ્રાક્ટ તરીકેનું સ્વરૂપ આપવામાં આવશે.”


તે સિવાય અલાયન્સ ઓફ મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર દ્વારા પણ હડતાળનો અંત આણવાની પુષ્ટી કરવામાં આવી છે. બંને પક્ષ વચ્ચે 3 વર્ષ માટે કરાર થયો છે. રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકાની મંજૂરી મળ્યા બાદ તેને લાગુ કરવામાં આવશે. 

અટકી પડેલી ફિલ્મોનું કામ શરૂ થશે

હડતાળના કારણે અવતાર 3, મિશન ઈમ્પોસિબલ 8, ડેડપૂલ 3, એલિગેટર 2 સહિતની અનેક મોટી ફિલ્મોનું કામ રઝળી પડ્યું હતું. આ તમામ પ્રોજેક્ટ્સ હવે ફરી શરૂ થઈ શકશે. હડતાળના કારણે હોલિવુડના કલાકારોને પોતાના આગામી પ્રોજેક્ટ્સનો પ્રચાર કરવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આ કારણે જ ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ (કલ્કિ 2898 AD)ના અનાવરણ માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ સેન ડિએગો નહોતી પહોંચી. દીપિકા પાદુકોણ પોતે પણ સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ – અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટની સદસ્ય છે.

બોલિવુડમાંથી આગળ નીકળીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ ઈન્સ્ટાગ્રામ પર હોલિવુડના લેખકોની આ હડતાળના અંત અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘હેડ્સ ઓફ સ્ટેટ’ પણ આ હડતાળના કારણે જ અટકી પડી હતી જેનું કામ હવે ફરી શરૂ થઈ શકશે.