વિવેક અગ્નિહોત્રીનો પલટવાર, કહ્યું- “નસીરૂદ્દીન શાહ કદાચ આતંકવાદને સમર્થન આપવાનું પસંદ કરે છે”

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની રીલિઝને એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે પરંતુ તેને લઈ આજે પણ વિવાદ થતો રહે છે. દિગ્ગજ અભિનેતા નસીરૂદ્દીન શાહે તાજેતરમાં જ ધ કાશ્મીર ફાઈલ્સ અને ગદર 2 જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે તેને લઈ કટાક્ષ કર્યો હતો. નસીરૂદ્દીન શાહે તેને ડેન્જરસ ટ્રેન્ડ ગણાવ્યો […]

Share:

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની રીલિઝને એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે પરંતુ તેને લઈ આજે પણ વિવાદ થતો રહે છે. દિગ્ગજ અભિનેતા નસીરૂદ્દીન શાહે તાજેતરમાં જ ધ કાશ્મીર ફાઈલ્સ અને ગદર 2 જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે તેને લઈ કટાક્ષ કર્યો હતો. નસીરૂદ્દીન શાહે તેને ડેન્જરસ ટ્રેન્ડ ગણાવ્યો હતો. ત્યારે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ નસીરૂદ્દીન શાહની કોમેન્ટ મામલે રિએક્ટ કર્યું છે. 

નસીરુદ્દીન શાહ ગદર 2 જેવી ફિલ્મોથી પરેશાન

નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે, તેઓ ધ કાશ્મીર ફાઈલ્સ, ધ કેરાલા સ્ટોરી અને ગદર 2 જેવી ફિલ્મોની લોકપ્રિયતાથી પરેશાન છે. આ સાથે જ તેમણે કેટલાક ફિલ્મ નિર્માતાઓ ફિલ્મોને ખરાબ કરી રહ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે હવે વિવેક અગ્નિહોત્રીએ નસીરૂદ્દીન શાહની કોમેન્ટ મામલે પલટવાર કરીને તેઓ માત્ર નેગેટિવ વિચારે છે અને નેગેટિવ જ જુએ છે માટે તેમને આ ફિલ્મ પસંદ ન આવી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વિવેક અગ્નિહોત્રીના કહેવા પ્રમાણે તેમને નસીરૂદ્દીન શાહ આવા નિવેદનો શા માટે આપે છે તેનું કારણ પણ ખબર છે. 

વિવેક અગ્નિહોત્રીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, “હું નસીરૂદ્દીન શાહ સાહેબનો ખૂબ મોટો ચાહક છું માટે જ મેં તેમને ધ તાશકંદ ફાઈલ્સમાં કાસ્ટ કર્યા હતા. પરંતુ મને નથી ખબર પડતી કે તેઓ શા માટે બૂઢ્ઢા થઈ ગયા અને જો એમ હોય તો હું કશું જ નથી કહેવા માગતો. ઘણી વખત લોકો અનેક વાતોથી નિરાશ હોય છે અથવા તો તેમને લાગે છે કે ધ કાશ્મીર ફાઈલ્સની સચ્ચાઈના કારણે તેમનો પર્દાફાશ થઈ રહ્યો છે, તેમના વિશેની કેટલીક વાતો સામે આવી રહી છે. સામાન્ય રીતે લોકોને અન્ય કોઈની કળાના માધ્યમથી લોકો સામે નગ્ન થવું પસંદ નથી આવતું. નસીરૂદ્દીનજી જે કહેતા રહે છે તેમાં કશીક તો ગરબડ છે અને કશુંક યોગ્ય નથી.”

નસીરુદ્દીન શાહ આતંકવાદીઓને સમર્થન આપવાનું પસંદ કરે છે: વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રીએ આગળ કહ્યું હતું કે, “મારો મતલબ છે કે, તેઓ એવી ફિલ્મો કરીને ખુશ છે જે નરસંહારનું સમર્થન કરે છે, તેમણે એવી ફિલ્મોમાં કામ કર્યું છે જે નરસંહારને સમર્થન આપે છે, કદાચ તેમણે પોતાના ધર્મના કારણે અથવા તો પોતાની હતાશાના કારણે આમ કર્યું છે. જે પણ કારણ હોય, કદાચ તેઓ આતંકવાદીઓને સમર્થન આપવાનું પસંદ કરે છે. મને નસીરૂદ્દીન શાહ શું કહે છે તેની પણ પરવા નથી કારણ કે, હું આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ રાખું છું, કદાચ તેઓ તેને (આતંકવાદને) પ્રેમ કરે છે અને મને એની પરવા નથી.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો નસીરૂદ્દીન શાહ વિશાલ ભારદ્વાજની ફિલ્મ ચાર્લી ચોપડામાં જોવા મળશે. સોની લિવ ઓરિજનલ સીરિઝમાં નસીરૂદ્દીન શાહ સાથે તેમના પત્ની રત્ના પાઠક શાહ અને તેમના બે દીકરા વિવાન શાહ અને ઈમાદ શાહ પણ જોવા મળશે. 

જ્યારે વિવેક અગ્નિહોત્રીની વાત કરીએ તો તેઓ આગામી 28 સપ્ટેમ્બરના રોજ પોતાની આગામી ફિલ્મ ધ વેક્સિન વોરની રિલીઝ માટેની તૈયારીઓ કરી રહી છે.