GIFT City: દારૂનું વેચાણ શરુ! આ 2 હોટલ્સને મળી 'વાઈન એન્ડ ડાઈન'ની મંજૂરી

હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે. આ વિશેની વિગતો ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે તપન રેએ આપી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ

ગાંધીનગર: હોટેલ ગ્રાન્ડ મર્ક્યોર (Hotel Grand Mercure) અને ગિફ્ટ સિટી ક્લબ (Gift City Club)નામની બે હોટલ્સને “વાઇન એન્ડ ડાઇન” સુવિધા માટે મંજૂરી મળી છે, એટલે કે, FL3 લાયસન્સ, જે તેમને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં દારૂ પીરસવાની મંજૂરી આપશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ડિસેમ્બર 2024માં તેની લિકર પ્રોહિબિશન પોલિસી હળવી કરીને રાજ્યની રાજધાનીના ગિફ્ટ સિટીમાં દારૂ વેચવાની-પીવાની મંજૂરી આપી હતી.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રેએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ફાઇવ-સ્ટાર હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર અને ગિફ્ટ સિટી ક્લબ તરફથી અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને બંને અરજીઓને સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ હોટેલ્સનો ત્રણ વર્ષની રાહનો અંત આવ્યો છે. આ એકમોએ વર્ષ 2021માં દારુ વેચાણની પરવાનગી માટેની અરજી કરી હતી પણ દારુબંધી પોલિસીના કારણે પરમિશન મળી નહોતી.

ગિફ્ટ ફેસિલિટેશન કમિટીએ અરજીઓને સમર્થન આપ્યું છે. એકવાર આ સંસ્થાઓ લાયસન્સ મેળવે તે પછી, તેઓને માત્ર માન્ય વાઇન અને જમવાની સુવિધા વિસ્તારમાં વપરાશ માટે દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવશે. દારૂ ફક્ત લિકર એક્સેસ પરમિટ ધારકો અથવા કામચલાઉ પરમિટ ધારકોને જ પીરસવામાં આવશે. GIFT સિટીમાં કાર્યરત કંપનીઓ દ્વારા અધિકૃત સ્ટાફ, કંપની માલિકો અને મુલાકાતીઓને ગિફ્ટ સિટી પરિસરમાં દારૂ પીવાનો વિશેષાધિકાર મળશે.

જણાવી દઈએ કે, ગિફ્ટ સિટી એ અમદાવાદ અને ગાંધીનગરની બોર્ડર પર સાબરમતીના કાંઠે એક વૈશ્વિક ફાયનાન્સિયલ અને ટેક સેન્ટર તરીકે ઊભરી રહ્યું છે. દેશ-વિદેશની બેન્કિંગ અને ટેક્નોલોજી કંપનીઓ અહિંયા ઈન્વેસ્ટ કરી રહી છે. વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં યુએસ, જાપાન અને UAEની કંપનીઓએ પણ રોકાણની જાહેરાત કરી છે.

દારૂની છૂટને લઈ શું છે નિયમો?

  • દારુનું વેચાણ કરનાર હોટેલ, ક્લબોએ FL-3 લાયસન્સ ફરજિયાત લેવું પડશે.
  • જે સ્થળ પર પરમિશન છે, તે સ્થળની બહાર કે તે સિવાયના સ્થળે દારુનું સેવન કરી શકાશે નહીં.
  • 21 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને જ મંજૂરી મળી શકશે.
  • લાયસન્સધારકે દારૂના વેચાણના જથ્થાની ખરીદી-વેચાણનો હિસાબ રાખવો પડશે.
  • CCTV સર્વેલન્સ 24x7 ચાલુ રાખવુ પડશે.
  • હેલ્થ પરમીટ, વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે.
  • દારૂના સેવન બાદ વાહન ચલાવી શકાય નહીં.
  • અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને મંજૂરી મળી શકશે.
  • પરમીટધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે.
  • પરમીટધારકે પરમીટના દસ્તાવેજ સાથે રાખવા પડશે.