Gujarat Covid-19: ગાંધીનગરમાં 2 બહેનોનો રિપોર્ટ પોઝિટિવ, નવા વેરિયન્ટની શંકા

દક્ષિણ ભારતની મુસાફરી કરીને પરત ગાંધીનગર આવેલી બે બહેનોમાં કોરોનાના લક્ષણો જોવા મળતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં હરકતમાં આવ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજ્યના પાટનગરમાં મળ્યા કોરોનાના નવા બે કેસ
  • બંને બહેનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવી છે

કેરળમાં કોરોનાનો નવો વેરિયન્ટ JN.1નો કેસ મળ્યા બાદ ફરીથી ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં સેક્ટર 6માં રહેતી બે સગી બહેનોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને બહેનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને પરત ફરી હોવાથી કેરળમાં મળેલા નવા વેરિયન્ટ હોવાની શંકા વધારે છે. જેથી વેરિયન્ટ જાણવા માટે સેમ્પલ જિનોમ સિક્વેસિંગ માટે મોકલાયા છે. આ સાથે જ બંને બહેનોના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, સેક્ટર-6માં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ હોવાની વિગતો મળી છે.

આઈસોલેશનમાં અપાઈ રહી છે સારવાર
પ્રાપ્ત વિગતો અનુસાર આ બંને બહેનો દક્ષિણ ભારતનાં કર્ણાટક સહિતના શહેરોની સહેલગાહથી પરત ગાંધીનગર ફરી હતી. બંનેને શરદી, ખાંસી અને તાવ સહિતના લક્ષણો હતા. જેથી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચેપ વધું ન ફેલાય તે માટે બંનેને આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

રી-એન્ટ્રી જેવી કોઈ વાત જ નથી: આરોગ્ય વિભાગ

કોરોનાની રી-એન્ટ્રી અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોરોનાના કેસો આવવાનું એકદમ રૂટિન છે, રાજ્યમાં કોરોનાના રી-એન્ટ્રી જેવી કોઈ વાત જ નથી. છેલ્લા કેટલાક સમયથી 1-3 કેસ નોંધાઈ રહ્યા છે. ગાંધીનગરમાં આવેલા બે કેસો અંગે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે.

કોરોનાના કેસમાં વધારો
કેરળમાં કોવિડ JN.1નો નવો પેટા વેરિયન્ટ મળ્યો છે, જેના કારણે એક જ દિવસમાં કેરળમાં ચાર લોકોનાં અને યુપીમાં એક દર્દીનું મોત થયું છે. જણાવી દઈએ કે, ગત રવિવારે ભારતમાં કોરોનાના 335 નવા દર્દી નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1700ને પાર થઈ ગઈ છે. કેરળમાં JN.1 વેરિયન્ટ મળ્યા બાદ ગુજરાતમાં બે દર્દી નોંધાતા ચિંતામાં વધારો થયો છે. મહત્વું છે કે, ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટમાં કોરોના વિસ્ફોટ થવાની સંભાવના છે. જેથી સરકાર દ્વારા પ્રતિબંધને લઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

કોરોનાની એડવાઈઝરી જાહેર
ઉલ્લેખનીય છે કે, સોમવારે, કેરળમાં કોવિડ -19ના 111 નવા કેસ નોંધાયા હતા. કેરળમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવ્યા છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે અને કોરોનાના કેસો પર નજીકની નજર રાખવા અને સરકારને સતત અપડેટ આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.