પાટણમાં ડમ્પરની ટક્કરે બે યુવતી કચડાઈ, માથાનો ભાગ છૂંદાઈ જતાં એકનું કમકમાટીભર્યું મોત

સિદ્ધપુર ચોકડી પાસે રસ્તો ક્રોસ કરીને બસ પકડવા જઈ રહેલી બે યુવતીને પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લીધી હતી

Share:

હાઈલાઇટ્સ

  • 24 વર્ષીય યુવતીનું માથું છૂંદાઈ જતાં ઘટનાસ્થળે જ મોત
  • 30 વર્ષીય યુવતીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ

પાટણ: ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રોજ અકસ્માતની અનેક ઘટનાઓ બની રહી છે, જેના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન પાટણમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ડમ્પરની ટક્કરે બે યુવતીઓ કચડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં માથાનો ભાગ છૂંદાઈ જતાં એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી યુવતીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે બની દુર્ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે સિદ્ધપુર ચોકડી પાસે બે યુવતી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે બેફામ આવી રહેલા ડમ્પર ચાલકે બન્નેને અડફેટે લીધી હતી. જેમાં એક યુવતીના માથા પર વ્હીલ ફરી વળતા તેનું માથું છૂંદાઇ ગયું હતું અને તેનું ત્યાં જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી યુવતીને પણ ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બંને યુવતીઓ એક જ કુટુંબની હતી.

લગ્નપ્રસંગે જતાં મોત મળ્યું
બંને યુવતી ખાનપુરા ગામથી બહુચરાજી નજીક એક ગામમાં લગ્નપ્રસંગમાં જવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન સિદ્ધપુર ચાર રસ્તા ઉપર ચા-પાણી કરી બસ પકડવા માટે બસ સ્ટેન્ડ તરફ જવા નીકળતા રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં ખાનપુરડાની 24 વર્ષીય દીપિકા પરમાર નામની યુવતીનું મોત થયું છે. જ્યારે 30 વર્ષીય સુનિતા પરમારને ગંભીર ઈજાઓ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલા પાટણના સાંતલપુરમાં લગ્નપ્રસંગે જઈ રહેલી કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રસ્તાની વચ્ચે વન્ય પ્રાણી આવી જતાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડની બાજુમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી, જેમાં ડૂબવાને કારણે એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા.