Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા 3 અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

3 અપક્ષ ધારાસભ્યો ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપે તેવી શક્યતા છે. હાલ ત્રણેય અપક્ષ MLA ભાજપના સમર્થનમાં હોવાની ચર્ચા.

Share:

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 3 અપક્ષ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા છે. જેમાં ધવલ ઝાલા (બાયડ અપક્ષ), માવજી દેસાઈ (ધાનેરા અપક્ષ), ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા અપક્ષ)નો સમાવેશ થાય છે. એટલું જ નહીં, હાલ ત્રણેય અપક્ષ MLA ભાજપના સમર્થનમાં હોવાનું અને રાજીનામું આપ્યા બાદ ત્રણેય સભ્યો ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે.

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ પક્ષોમાં જોડ તોડની નીતિ જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણી સમયે જ પેટાચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે. નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા ભાજપમાં જ હતા, પરંતુ 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. જો કે હવે તેઓ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી જ ફરી ચૂંટણીમાં ઊભા રહે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14 જાન્યુઆરી પછી અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી શકે છે.

એટલું જ નહીં, માવજી દેસાઈ અને ધવલ ઝાલા પણ ધારાસભ્ય ભાજપના સમર્થનમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ અગાઉ પોતાનું સમર્થન પ્રદર્શિત કરી ચૂક્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઉત્તરાયણ પછી અથવા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ બંને ધારાસભ્ય પણ અપક્ષના ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી શક્યતા હાલ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. આમ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં વધુ ઉથળ-પાછળ જોવા મળે તો નવાઈ નથી.