Gujarat Covid-19: નવા વેરિયન્ટ JN.1ના ટેન્શન વચ્ચે અમદાવાદમાં નોંધાયા 6 નવા કેસ

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ આપવામાં આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદમાં વધુ 6 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસ 10ને પાર
  • રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી એડવાઈઝરી જારી કરી

અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના ટેન્શન વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે અમદાવાદમાં એક જ દિવસમાં 6 નવા કેસો પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. શહેરના નવરંગપુરા, સરખેજ અને નારણપુરા વિસ્તારમાં નવા કેસો મળ્યા છે. દર્દીઓમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ડિપાર્ટમેન્ટના વડા ડો. ભાવિન સોંલકીએ મીડિયાને જણાવ્યું કે, અમદાવાદમાં વધુ 6 કેસ જોવા મળ્યા છે. જેમાં ત્રણ દર્દીઓ USA અને સિંગાપોરની ટ્રાવેલ હિસ્ટ્રી છે. ત્રણ અમદાવાદના છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેટમાં છે. દર્દીઓની ઉંમર 25થી 60 વર્ષની છે. હાલમાં એક દર્દીનો હોમ ક્વોરન્ટાઈન પિરીયડ પૂર્ણ થયો છે. અમદાવાદમાં 12 એક્ટિવ કેસ છે. નવા નોંધાયેલા કેસમાં 6 દર્દી પૈકી 4 બૂસ્ટર ડોઝ અને બે દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમાં અમદાવાદના 7 કેસ સહિત 13 જેટલા એક્ટિવ કેસ હતા. જેમાં જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા હતા. આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામનાં સેમ્પલ જિનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યાં હતા. જેથી આ કોરોનાનો આખરે ક્યો વેરિયન્ટ છે તેની માહિતી મેળવી શકાય. હાલ કોરોના સંક્રમણના કારણે લોકોમાં થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા તો લોકોને જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સલાહ આપતી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગરમાં બે બહેનોનો રિપોર્ટ પોઝિટિવ
બે દિવસ પહેલા દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને પરત ગુજરાત ફરેલી બે બહેનોમાં તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેમને હોમ આઈસોલેશનમાં સારવાર આપીને સેમ્પલ જિનોમ સિક્વેસિંગ માટે મોકલાયા હતા. કારણ કે, તેઓ દક્ષિણ ભારતના પ્રવાસથી આવ્યા છે. જ્યાં JN.1 વેરિયન્ટના દર્દી જોવા મળ્યા હતા.

દેશમાં અત્યાર સુધીમાં કોવિડ JN.1ના નવા પેટા વેરિયન્ટના 21 કેસ નોંધાયા છે, જેમાંથી 18 કેસ ગોવાના છે. આ વેરિયન્ટ વિશે કહેવામાં આવ્યું હતું કે તેની સઘન વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે, પરંતુ અત્યારે ચિંતાનું કોઈ કારણ નથી. આ પ્રકારથી અસરગ્રસ્ત દર્દીઓ કોઈપણ જટિલતાઓ વિના સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં વૈજ્ઞાનિક સમુદાય આ નવા પ્રકારની તપાસ કરી રહ્યો છે. ICMR આ વેરિયન્ટના જીનોમ ટેસ્ટિંગ પર કામ કરી રહ્યું છે.

ભારતમાં એક્ટિવ કેસની સખ્યા 2000ને પાર
દેશમાં નોંધાયેલા 594 નવા કેસ સાથે, ભારતમાં સક્રિય કોવિડ -19 કેસોની કુલ સંખ્યા હવે ગુરુવારે 2,669 થઈ ગઈ છે.