મણિનગરના એલ જી ગ્રાઉન્ડનો દુરઉપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ, વિરોધ

કેન્દ્ર સરકાર એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર "રમશે ગુજરાત.. જીતશે ગુજરાત" ની મોટી મોટી વાતો કરે છે ત્યારે બીજી તરફ મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા ના એક ખુલ્લા મેદાન નો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે જે તદ્દન અયોગ્ય છે.

Courtesy: George Dias

Share:

હાઈલાઇટ્સ

  • ખોખરા કોંગ્રેસના અગેવાનો અને કાર્યકર્તાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યુ
  • શહેરના મેયર પ્રતિભાબેન જૈનને કોંગ્રેસના આગેવાનોએ મળીને આવેદન પત્ર આપ્યુ

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર મણિનગરની એલ જી હોસ્પિટલ સામે આવેલા મેદાનનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ મેદાનનો હેતુ સ્થાનિક યુવાનોમાં રમત-ગમતમાં પ્રોત્સાહન આપવા માટેનો હતો પરંતુ કોર્પોરેશને આખો હેતુફેર કરીને પોતાને પૈસા કમાવવા માટેનું સાધન બનાવી દીધું હોવાનો આક્ષેપ ખોખરા વોર્ડના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ કર્યો હતો અને શહેર મેયર પ્રતિભાબેન જૈનને એક આવેદન પત્ર પણ આપ્યું હતું.

આ અંગે વાત કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કોર્પોરેટર અને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક તરફ  ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર "રમશે ગુજરાત.. જીતશે ગુજરાત" ની મોટી મોટી વાતો કરે છે ત્યારે બીજી તરફ મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા ના એક ખુલ્લા મેદાન નો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે જે તદ્દન અયોગ્ય છે.

AMC
અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન ને એક આવેદન પત્ર આપી વિગતવાર રજૂઆત કરાઈ George Dias

આ ખુલ્લા મેદાન ની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાં મળેલી હતી અને તેનો ઉપયોગ ભાવી રમતવીરો તૈયાર થાય તે હતો પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને મેરેજ,રિસેપ્શન,ફટાકડા બજાર, પતંગ બજાર,ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે. પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવી ને કસરત, વ્યાયામ અને રમત રમવા માટે ઉપયોગ કરી શકે તેવી તક ઉભી થતી નથી. તેથી આજરોજ અમે મણીનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ ના અગ્રણીઓ પરેશ ગઢવી, દેવેન્દ્રસિંહ વાઘેલા,અજય દેસાઈ ની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કચેરી,ઘાણાપીઠ ખાતે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી સત્તાધીશોની આંખો ખુલે, તેમ જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે અમે એક અવાજે એવી માગણી કરી છે કે એલ જી ગ્રાઉન્ડનો ઉપયોગ તેના મૂળ હેતુ મુજબ રમત ગમતના મેદાન તરીકે જ થાય. આ ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવીને ખાનગી સંચાલકોને પીપીપી ના ધોરણે મૂકવામાં આવી છે પરિણામે જીમ અને સ્કેટિંગ ની મોટી ફી ના કારણે ગરીબ મધ્યમ વર્ગના યુવાનો તેનો લાભ મળી શકતો નથી આ અંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન ને એક આવેદન પત્ર આપી વિગતવાર રજૂઆત કરી હતી.