Mandal Effect: સરકાર સફાળી જાગી...મોતીયાનું ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલોની તપાસ અને મોનીટરીગ થશે

૧૬ મી જાન્યુઆરીએ જ સમગ્ર ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી-આરોગ્યમંત્રી

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • રાજ્યની તમામ આંખની હોસ્પિટલો માટે મોનિટરીંગ કમિટી બનશે
  • હોસ્પિટલની બેદરકારી જણાશે તો ઉદાહરણરુપ કડક માં કડક કાર્યવાહી કરાશે - આરોગ્ય મંત્રી
  • હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાને પગલે રાજ્ય સરકાર સફાળી જાગી ઉઠી છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આજે બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં મોતીયાનું ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલોની ચકાસણી કરવી અને તેમનું નિયમીત રીતે મોનિટરીંગ કરવું. તેમજ તમામ હોસ્પિટલો માટે પ્રોપર ગાઈડલાઈન બનાવવી જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. 

દરમિયાનમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદની એમ.એન્ડ.જે . હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી. આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ , નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે  ૧૬ મી જાન્યુઆરીના રોજ  ૯  નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટીના સભ્યોએ  સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તેમ જણાવતાં પટેલે ઉમેર્યું હતું કે, કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડક માં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે. વધુંમા માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખીને પટેલ એ  મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે. મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરુરી ચેક-લિસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે.

હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે.