WhatsApp પર વીડિયો કોલ રીસિવ કરીને જબરો ભરાયો અમદાવાદી યુવક... વાંચો વિગતો

સેક્સટોર્શન એ એવા ડિજિટલ ફ્રોડનું સ્વરૂપ છે, જ્યાં પીડિતને વીડિયો કોલ કરીને ફસાવવામાં આવે છે અને પછી ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવે છે. અમદાવાદી યુવકે આવા જ એક કેસમાં 57000 રૂપિયા ગૂમાવ્યા, જાણો શું છે મામલો?

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્થાનનો વતન અને ગોતામાં રહેતો ગ્રાફિક ડિઝાઈનર સેક્સટોર્શનમાં ફસાયો
  • વીડિયો કોલ કટ થઈ ગયા બાદ જે થયું, તેના વિશે યુવકે વિચાર્યું પણ નહીં હોય

અમદાવાદ:  રવિવારે ક્રાઇમ બ્રાંચ (ડીસીબી)માં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર એક લોકપ્રિય ધાર્મિક સંપ્રદાય સાથે કામ કરતા 24 વર્ષીય વ્યક્તિ સેક્સટોર્શનનો શિકાર બન્યો હતો અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. 57,000 ગુમાવ્યા હતા. 

ફરિયાદ અનુસાર મૂળ રાજસ્થાનનો વતની અને ગોતાના રહેવાસીને ફેબ્રુઆરી 2023ના પહેલા અઠવાડિયામાં ફેસબુક પર એક મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. તેણે રિકવેસ્ટ એકસેપ્ટ કરી અને લગભગ એક અઠવાડિયા સુધી મહિલા સાથે ચેટ કરવાનું શરૂ કર્યું, જેના પછી તેઓએ તેમના ફોન નંબરની આપલે કરી હતી.

15 ફેબ્રુઆરીએ, મહિલાએ વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો અને તે નગ્ન થઈ ગયો. આ કોલ લગભગ બે મિનિટ સુધી ચાલ્યો અને ડિસ્કનેક્ટ થઈ ગયો, ફરિયાદીએ જણાવ્યું હતું. 16 ફેબ્રુઆરીના રોજ સવારે 12.05 વાગ્યે, તેને તેના સેલફોન પર એક વીડિયો ક્લિપ મળી જેમાં તે ન્યૂડ વીડિયો કોલમાં કેપ્ચર થયો હતો.

તેણે એફઆઈઆરમાં કહ્યું કે અજાણી મહિલાએ યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસાની માંગ કરી હતી. જ્યારે તેણે કોઈપણ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે મહિલાએ ફેસબુક પર તેના સંબંધીઓને વીડિયો ક્લિપિંગ્સ મોકલી દીધી.

તે પછી, તેણે 57,000 રૂપિયા ચૂકવ્યા અને મહિલાનો નંબર બ્લોક કરી દીધો. તેણે કહ્યું કે તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે અને ન્યૂડ વીડિયો ક્લિપિંગ્સ પણ ડીલેટ કરી દીધી છે.

જ્યારે મહિલાએ વધુ પૈસાની માંગવાનું શરૂ કર્યું, ત્યારે તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર મેળવ્યો અને ફરિયાદ નોંધાવી. જે પછી, આ કેસ સિટી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટના આરોપો સાથે ગેરવસૂલીકરણ અને ગુનાહિત ધાકધમકીના કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

શું છે સેક્સટોર્શન?
સેક્સટોર્શન જાતીય શોષણ સાથે સંકળાયેલ ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ છે, જેમાં બ્લેકમેલરની માંગ પૂર્ણ ન થવા પર તેની અંગત માહિતી, ન્યૂડ ફોટા અથવા વીડિયોઝને ઓનલાઈન શેર કરવાની ધમકી આપવામાં આવી છે અને પછી પૈસા પડાવવામાં આવે છે અથવા જાતીય સંબંધોની માંગ કરવામાં આવે છે.

કેવી રીતે બચવું?

  • વાત કરતા સમયે તમને ખ્યાલ આવે કે સામેની વ્યક્તિ તમારો અયોગ્ય લાભ લઈ રહી છે તો તે જ ક્ષણે વાત અથવા ચેટ કરવાનું બંધ કરી દો.
  • અજાણ્યા નંબરથી આવેલો વીડિયો કોલ રીસિવ ન કરો, અજાણ્યાઓ સાથે ચેટિંગ કરવાનું ટાળો.
  • છેતરપિંડી કરનારાઓની વાતમાં ન આવો, પછી ભલે તે ગમે તેટલા વિશ્વાસપાત્ર હોય.
  • જો તમે સેક્સટોર્શનમાં ફસાઈ જાઓ તો ગભરાશો નહીં, તરત જ પોલીસનો સંપર્ક કરો.