સાવરકુંડલા APMCમાં બીજા દિવસે પણ હરાજી બંધ, ખેડૂતોને કેમ કરાઈ યાર્ડમાં માલ ન લાવવા અપીલ?

સાવરકુંડલા માર્કેટયાર્ડના વેપારી મહામંડળ દ્વારા તમામ જણસોની હરાજીનું કામકાજ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં લેખિતમાં જણાવ્યું હોવાથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાણ કરવામાં આવે છે.

Share:

હાઈલાઇટ્સ

  • કંપની દ્વારા ખેડૂત સાથે અશોભનીય વર્તન બાદ યાર્ડ દ્વારા નોટિસ
  • યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેતા 300 જેટલા ખેડૂતો હેરાન પરેશાન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસીમાં વેપારીઓની વીજળીક હડતાળને કારણે 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 આસપાસના મજૂરોની સ્થિતિ વધું કફોડી બની ગઈ છે. એટલું જ નહીં યાર્ડ દ્વારા વેપારીઓની જો હુકમી સામે યાર્ડમાંથી વેપારીઓનો માલ પણ યાર્ડમાં હડતાળને પગલે બહાર લઈ જવાનું ફરમાન કરતા વેપારીઓ પણ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. સતત બીજા દિવસે હરાજી બંધ રખાઈ હતી.

સાવરકુંડલા એપીએમસીમાં બે દિવસ પહેલા રાધારમણ ટ્રેડિંગ કંપની દ્વારા ખેડૂત સાથે અશોભનીય વર્તન બાદ યાર્ડ દ્વારા નોટિસ પાઠવતા વેપારીએ સામી નોટિસ યાર્ડમાં પાઠવીને જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લેતા ગઈકાલે 300 આસપાસના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા. આજે પણ વીજળીક હડતાળ યથાવત રહેતા બહાર તાલુકામાંથી આવેલા ખેડૂતો હેરાન થયા અને ખેત જણસો ઢાંકી ઢાંકીને મૂકી ને ચાલ્યા ગયા હતા.

જાહેર નોટિસ
'શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા 15 ડિસેમ્બરે જાહેર નોટિસ બોર્ડ લગાડવામાં આવ્યું હતું, જેમાં માર્કેટયાર્ડના ખેડૂતોના હિતનમાં નિર્ણય લેતા સાવરકુંડલા માર્કેટયાર્ડના વેપારી મહામંડળ દ્વારા તમામ જણસોની હરાજીનું કામકાજ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં લેખિતમાં જણાવ્યું હોવાથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાણ કરવામાં આવે છે. કોઈપણ વેપારીનો માલ બહાર ડવા દેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી.'

સાવરકુંડલા યાર્ડ દ્વારા વેપારીઓએ  હડતાળ પાડીને ખેડૂતોને પારાવાર પરેશાન કર્યા પણ મજૂરો પણ બેકાર થઈ ગયા છે જ્યારે યાર્ડમાં મગફળી, કપાસના ઢગલા યથાવત પડ્યા છે જેથી ખેડૂતોની આવેલ ખેત જણસો યાર્ડ દ્વારા ખરીદ કરીને ખેડૂતોની પરેશાની દૂર થાય તેવા પ્રયાસો શરૂ થયા છે. જ્યારે યાર્ડ દ્વારા ખેત જણસો લઈને આવેલા ખેડૂતો માટે નાસ્તા, જમવાની અને સૂવાની વ્યવસ્થા યાર્ડ સતાધીશોએ કરી હોવાનો ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

વેપારીઓ યાર્ડમાં હડતાળ પાડીને ખાનગી ચર્ચાઓ કરી રહ્યા છે પણ ખેડૂતો પરેશાન છે તો મજૂરો બેકાર બન્યા છે. આ સમગ્ર મામલે એપીએમસીના ચેરમેન દીપક માલાણીએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા યાર્ડમાં વેપારીઓ અને યાર્ડ દ્વારા નોટિસ મામલે થયેલા ગજગ્રાહ બાદ હડતાળ પડી પણ બેકાર બનેલા 700 આસપાસના મજૂરો પરેશાન થઈ ગયા છે. યાર્ડ સતાધીશોએ ખેડૂતોની ખેત જણસો ખરીદવાની હડતાળ તો યાર્ડના વેપારીઓની ખરીદેલી ખેત જણસો પણ બહાર લઈ જવાની પાબંધીથી વેપારીઓ અકળાયા છે. જેથી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમાધાન બેઠકોનો દોર શરૂ થયો છે, જેથી પરિણામલક્ષી પરિણામ આવશે કે કેમ તેને લઈને ખેડૂતો એને મજૂરો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.