અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના નિર્ણય સામે રિક્ષાચાલકોનો વિરોધ, અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઓટો રિક્ષા ચાલકોએ એરપોર્ટ ઓથોરિટીના પાર્કિંગના નિર્ણયનો વિરોધ કર્યો

Share:

હાઈલાઇટ્સ

  • પાર્કિંગનો ચાર્જ લેવાતા રિક્ષાચાલકોનો વિરોધ
  • ગુરુવારથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત

અમદાવાદ: ગુરુવારે સવારથી અમદાવાદમાં રિક્ષાના પેંડા થંભી જવાના છે. કારણ કે, એરપોર્ટમાં પેસેન્જર્સને મૂકવા જતા રિક્ષાચાલકો પાસેથી 60 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. જેથી તેના વિરોધમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેમ કરવામાં આવી રહી છે હડતાલ?
ફેડરેશનના મહામંત્રી ઈમ્તિયાઝ લંધાએ જણાવ્યા અનુસાર એરપોર્ટ ખાતે રિક્ષાચાલકોને દોઢ કિલોમીટર દુર રિક્ષાનુ પાર્કિંગ આપતા રિક્ષાચાલકો નારાજ છે. આખા ભારતમાં રિક્ષા ચાલકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટોલ ટેક્સ લેવામાં નથી આવતો પરંતુ એરપોર્ટ પર 60 રૂપિયા ઊધરાવાય છે, તેના વિરોધમાં એરપોર્ટ ખાતે રિક્ષા સેવા બંધ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં આવેદન પત્ર અપાશે
28 ડિસેમ્બર 2023 એટલે કે ગુરુવારે રિક્ષાચાલકો આ મુદ્દે ગુજરાતના સચિવને ગાંધીનગર જઈને આવેદન પત્ર આપશે. જેથી ફેડરેશન દ્વારા મુસાફરોને હાલાકી ન પડે તે માટે અચોક્કસ મુદતની હડતાલની જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, અઠવાડિયામાં આ બીજી વાર રિક્ષાચાલકોને હડતાલ કરવાની ફરજ પડી રહી છે.