વડોદરામાં ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનાથી ગુજરાત જ નહીં સમગ્ર ભારત હચમચી ઉઠ્યું છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સૂમસામ બન્યો છે. આ દુર્ઘટના મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક તપાસ કર્યા બાદ મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ચલાવનાર નયન ગોહિલ સહિત કુલ 3ની અટકાયત છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે. આ દુર્ઘટના મામલે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચાલુ સપ્તાહમાં જ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે. આગામી એક જ સપ્તાહમાં આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી સંભાવના છે.
ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે. જોકે, હજી પણ પક્ષપલટાના લિસ્ટમાં બીજા નામ પણ હોવાનું કહેવાય છે. અર્જુન મોઢવાડિયા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.