નબળું પડી રહ્યું છે ગુજરાતીઓનું 'હૃદય', વર્ષ 2023માં 108ને દર 7.5 મિનિટે આવ્યો કાર્ડિયાક ઈમરજન્સીનો કોલ

EMRIનો ડેટા દર્શાવે છે કે, ગુજરાતના શહેરોમાં જ નહીં પરંતુ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં હાર્ટને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાત EMRI 108 દ્વારા જાહેર કરાયેલો ડેટા ચિંતાજનક
  • શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ વધી રહ્યા છે કેસો

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે મોત થવાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. EMRI 108નો ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં 2023માં સૌથી વધુ હાર્ટને લગતા ઈમરજન્સી કોલ આવ્યા, જે ગુજરાતમાં છેલ્લા 16 વર્ષમાં સૌથી મોટો આંકડો છે. સરેરાશ દર 7.5 મિનિટે હાર્ટ ઈમરજન્સી માટે કોલ આવ્યાનું EMRIએ જણાવ્યું છે. જેથી ગુજરાતમાં લોકોનું હૃદય નબળું પડી રહ્યું છે તેવું કહી શકાય છે.

EMRI 108ને 2023માં કાર્ડિયાક રિલેટેડ 72,573 કોલ આવ્યા, જે 2018માં 53,700ની સરખામણીમાં 35% વધુ છે. જો વસ્તીમાં વધારો જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ, રાજ્યની સરખામણીમાં વાર્ષિક ધોરણે કાર્ડિયાક ઇમરજન્સીમાં 29%નો વધારો નોંધવામાં આવ્યો છે, જેમાં 2022 સુધી 56,277 કેસ નોંધાયા હતા.

આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં વર્ષ 2023 દરમિયાન કાર્ડિયાક ઈમરજન્સીના સૌથી વધુ 21496 કેસ નોંધાયા. એટલે એક લાખ વસતી દીઠ 298 કોલ. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 180 કોલ અને પોરબંદરના 199 કોલ નોંધાયા. એટલું જ નહીં, ડાંગ (1 લાખની વસ્તી દીઠ 159 કોલ) અને તાપી (1 લાખની વસ્તી દીઠ 156 કોલ)ના આદિવાસી જિલ્લાઓમાં પણ કાર્ડિયાક ઈમરજન્સીના કોલ વધારે નોંધાયા છે.

કાર્ડિયોવેસ્ક્યુલર રોગોમાં વિશેષતા ધરાવતી મુખ્ય શહેર-આધારિત હોસ્પિટલોએ ટ્રેન્ડની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં. આદિવાસી જિલ્લાઓમાં પણ આવા કેસ નોંધાયા હોવાનું EMRIએ જણાવ્યું હતું. એટલું જ નહીં, હોસ્પિટલોએ અચાનક મૃત્યુમાં વધારો પણ સ્વીકાર્યો છે અને વારંવાર નાગરિકોને તેઓ જે અસ્વસ્થતા અનુભવે છે તેને લઈને તપાસ કરાવવા અને વધુ સભાન રહેવા માટે સૂચનો કર્યા છે.

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC)ના ડિરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે જીવનશૈલીની પસંદગી અને અન્ય જોખમી પરિબળોને કારણે વૈશ્વિક સ્તરે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વધી રહ્યાં છે.

ઉદાહરણ તરીકે, જ્યારે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રમાણમાં વધુ વ્યાપ વિશે વાત કરીએ છીએ, ત્યારે તમાકુનું સેવન એક મોટું જોખમ પરિબળ બની શકે છે. ખોરાકથી લઈને બેઠાડુ જીવનશૈલી સુધી, આપણે ઘણા પરિબળો જોઈએ છીએ જે ઘણી વખત હાર્ટને લગતી બીમારીને આમંત્રણ આપે છે.

જ્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે ડિસેમ્બરમાં દાવો કર્યો હતો કે ગુજરાતમાં છ મહિનામાં લગભગ 1,000 લોકો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા છે, ત્યારે આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે પાછળથી કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે આવો ડેટા નથી.

સોશિયલ મીડિયા પર અચાનક આવેલા હાર્ટ એટેકના સેંકડો વીડિયો એવા પણ જોવા મળ્યા છે, જ્યાં દર્દીને સારવારનો પણ સમય મળતો નથી. આમાંના કેટલાકની ઉંમર 30 વર્ષથી ઓછી હતી.

સિટી બેઝ્ડ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર EMRI 108 સેવાઓ માટે સગર્ભાવસ્થા, વાહન અકસ્માતો, પેટમાં દુખાવો, ટ્રોમા અને શ્વાસ લેવામાં તકલીફ પછી સૌથી વધુ કોલ કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં વ્યાપ વધુ છે, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે આરોગ્ય સુવિધાઓની ઍક્સેસ પણ એક મુખ્ય પરિબળ છે.