ઈ-ટ્રાફિક કોર્ટો પરનું ભારણ ઘટાડવા ૨૦ ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે

સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. ડી. વાય. ચંદ્રચૂડના હસ્તે રાજકોટમાં જિલ્લા ન્યાય મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગુજરાતના કાયદામંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • લોકો દૂર બેઠા ન્યાય મેળવી શકે તે માટે વર્ચ્યુઅલ કોર્ટરૂમની ઉભી થઈ રહી છે વ્યવસ્થા
  • રાજ્યમાં આ વર્ષે જિલ્લા ન્યાયાધીશની ૧૦૧ જગ્યાઓને મંજૂરી આપી દેવાઈ

રાજકોટમાં જિલ્લા ન્યાય મંદિરનું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના હસ્તે ઉદ્ઘાટન એ આપણા માટે ગૌરવની ક્ષણ છે. 
જિલ્લા ન્યાય સંકુલ માટે રાજ્યમાં સૌથી વધુ જમીન રાજકોટ  જિલ્લાને મળી છે. આ ન્યાય મંદિરના બિલ્ડિંગના પ્લાનિંગ 
વખતે જ ન્યાયિક અધિકારીઓ, વકીલો સાથે ન્યાય માટે આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ના પડે અને તેમના સુખ - 
સાધન - સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. 

લોકોને ઝડપી, સરળ અને બિન ખર્ચાળ ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, એમ જણાવતા તેમણએ કહ્યું 
હતું કે, ન્યાય તંત્ર આધુનિક અને વધુ કાર્યક્ષમ બને તે માટે ગુજરાત સરકારે અનેક પગલાં લીધા છે અને ફિઝિકલ તથા ડિજિટલ 
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ રાખીને કામ કર્યું છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં   વકીલો, અરજદારો દૂર બેઠા ન્યાય મેળવી શકે તે માટે વર્ચ્યુઅલ કોર્ટરૂમની 
વ્યવસ્થા તરફ આગળ વધીએ છીએ. ઈ-કોર્ટ મિશન મોડ અંતર્ગત નાગરિકોને કોર્ટ કેસ સંબંધિત વિગતો ઘરે બેઠા મળે તે 
માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી મુકાઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.  

મંત્રીએ કહ્યું હતું કે, રાજકોટના વકીલોને સુવિધાયુક્ત બેઠક વ્યવસ્થા નવા કોર્ટ સંકુલમાં મળી રહે તે માટે રૂ.૩.૫૫ કરોડની 
વહીવટી મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારે કોર્ટના સેન્ટ્રલ રેકર્ડ બિલ્ડિંગ માટે ઘંટેશ્વર ખાતે નવ હજાર ચોરસ મીટર 
જમીન ફાળવી દીધી છે. 

તેમણે કહ્યું હતું કે, વડી અદાલતની ભલામણના આધારે ઈ-ટ્રાફિક  કોર્ટો પરનું ભારણ ઘટાડવા રાજ્ય સરકારે નવી ૨૦ ઈ-ટ્રાફિક 
કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત મુખ્ય મથક રાજકોટ તથા ધોરાજીમાં ન્યાયિક અધિકારીઓ માટે વિવિધ 
શ્રેણીના મકાનો માટે વહીવટી મંજુરી આપી દેવામાં આવી છે. 

મંત્રીએ કોર્ટને ચલાવવા જરૂરી માળખાકીય સુવિધાઓ સાથે માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવા સરકારની પ્રતિબદ્ધતા 
વ્યક્ત કરી હતી. આ સાથે કહ્યું હતું કે, રાજ્યમાં આ વર્ષે જિલ્લા ન્યાયાધીશોની ૧૦૧ જગ્યાઓને મંજૂરી આપી દેવાઈ છે.  
સાથે ૨૫ સિનિયર સિવિલ જજ, પાંચ સિવિલ જજ મળીને ૧૩૧ જગ્યાઓ તથા હાઈકોર્ટ ખાતે ૭૨૩ જગ્યાઓ મળીને 
વિવિધ અદાલતોની કુલ મળીને ૫૪૪૯ જગ્યાઓ ભરવાની મંજૂરી આપેલી છે. જેના લીધે કોર્ટને માનવ બળ ઉપલબ્ધ થવા 
સાથે રોજગારી પણ વધશે. રાજ્યના કોર્ટ બિલ્ડિંગ તથા સંબંધિત માળખાકીય સુવિધાઓ માટે ૮૩૭.૯૫ કરોડના ૫૭૦ 
જેટલા કામોને આ વર્ષે મંજૂરી આપી દેવામાં આવી છે.

આ કાર્યક્રમ પૂર્વે મંત્રીએ સુપ્રીમકોર્ટના મુખ્યન્યાય મૂર્તિ સહિતના મહાનુભાવો સાથે નવનિર્મિત જિલ્લા કોર્ટ સંકુલ- 
ન્યાય મંદિરની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું.