AAP બાદ કોંગ્રેસમાં ભડકો: ખંભાતના MLA ચિરાગ પટેલે રાજીનામું આપ્યું, કઈ પાર્ટીમાં જોડાશે?

રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે.

Share:

હાઈલાઇટ્સ

  • કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડ્યો
  • ખંભાતના કોંગી MLA ચિરાગ પટેલે રાજીનામું આપ્યું

આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસમાં ભૂંકપ આવ્યો છે, કારણ કે, ખંભાત વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય પટેલે પાર્ટીને રામ રામ કહીને વિધાનસભા અધ્યક્ષ શંકર ચોંધરીને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે કોંગ્રેસમાંથી વધુ લોકો પાર્ટીમાંથી રાજીનામા આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે, આ પહેલા જો કોંગ્રેસમાંથી વધુ વિકેટો પડવા લાગી તો તે પાર્ટી માટે સૌથી મોટો ઝટકો હશે.

રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસે જે બોલે છે તે કરતી નથી. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારનો લોકોની લાગણીને ધ્યાને આપીને તેઓ કહેશે તે પ્રકારે કરવાનું વિચાર્યું છે. જો કે, ચિરાગ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજી સુધી જાહેરાત થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ખંભાત બેઠક પર દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી આ ચૂંટણીમાં ચિરાગ પટેલે ભાજપના મહેશ રાવલને 3711 મતોથી હરાવ્યા હતા. રિપોર્ટ અનુસાર 1990 બાદ પહેલી વખત ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ હતી.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે AAP યોગ્ય પ્લેટફોર્મ નહોતું, જેથી તેમણે જનતા અને કાર્યકર્તાઓને પૂછીને આ નિર્ણય કર્યો હતો અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. મહત્વનું છે કે, આગામી લોકસભા ચૂંટણી આવે તે પહેલા ગુજરાતના રાજકારણમાં અનેક ઉથળપાથળ જોવા મળી શકે છે.