સુરતમાં રેલવે ટ્રેક પાસે 2 કિશોરની લાશ મળતા ખળભળાટ, આખરે કેવી રીતે થયા બંનેના મોત?

સુરતના સચિન વિસ્તારમાં બનેલી એક ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યાં એક જ પરિવારના બે કિશોરની લાશ રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રિન્સ અને લોકેશ નામના બે કિશોરની રેલવે ટ્રેક પાસેથી લાશ મળી
  • ટ્રેન નીચે કચડાઈ જવાને કારણે મોત થયાની પરિવારજનોને આશંકા

સુરત: શહેરના સચિન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે કિશોરની લાશ રેલવેટ્રેક પાસેથી મળી આવી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારને જાણ થતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. સ્થાનિક પોલીસે બંનેની લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને બંનેના મોત કેવી રીતે થયા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શ્રમજીવી પરિવારનાં બે કિશોર રમતા રમતા રેલવેટ્રેક સુધી પહોંચી ગયા હતા. જેથી બંનેના મોત ટ્રેનની અડફેટે આવ્યાને કારણે થયા હોય તેવી શક્યતા વધારે લાગી રહી છે.

રેલવે ટ્રેક પાસેથી મળ્યા બંનેના મૃતદેહ
પ્રાપ્ત માહિતી અનુસાર બંને કિશોર રમતા રમતા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયાં હતાં. ત્યાર બાદ તેઓ પરત ન ફરતા પરિવારજનોએ બંનેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમની ક્યાંય ભાળ ન મળતા આખરે રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા જાણ કવામાં આવી હતી કે, તેમનાં બાળકના મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યા છે. મૃતકોમાં પ્રિન્સ શર્મા (13) અને લોકેશ યાદવ (14)નો સમાવેશ થાય છે. લેટેસ્ટ અપડેટ અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ તેમના મોત કેવી રીતે થયા તેની હકીકત સામે આવશે.

હોસ્પિટલની બહાર એકઠી થઈ ભીડ
બનાવને પગલે પરિવાર અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર એકઠા થયા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અંતિમવિધિ માટે બંનેની બોડી માટે રાહ જોઈ રહ્યા હતા. એક જ પરિવારના બંને કિશોરના મોત થતાં મૂળ વતન ઉત્તર પ્રદેશમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.