ગુજરાતમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકો માટે લાઈફલાઈન ગણાતી અભયમ 181 હેલ્પલાઈન પર વર્ષ 2023માં નોન-સ્ટોપ કોલ્સ આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાસ અનુસાર આખા વર્ષ દરમિયાન હેલ્પલાઈનને 98830 કોલ મળ્યા હતા, જે સમગ્ર વર્ષ દરમિયાન દર 5 મિનિટે સરેરાશ એક કોલ હતો. તે 2019થી 61%નો વધારો અને 2022થી 17%નો વધારો દર્શાવે છે. મહત્વનું છે કે, 2014માં હેલ્પલાઈન શરૂ થયા પછી એક વર્ષમાં ઘરેલુ હિંસા વિશેની સૌથી વધુ સંખ્યા છે.
હેલ્પલાઇનના સંયોજક ફાલ્ગુની પટેલ માને છે કે ઘરેલુ હિંસા માટેના પરિબળોમાં બહુ બદલાવ આવ્યો નથી, પરંતુ પીડિતોમાં મદદ મેળવવાની જાગૃતિ અને ઇચ્છા વધી રહી છે. તેમણે જણાવ્યું કે, અમે કોરોના રોગચાળાના વર્ષ 2020થી કોલમાં સતત વધારો જોયો છે. તે સમયે કપલ્સને સાથે રહેવાની ફરજ પડી હતી, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. પરંતુ તે પછી પણ, દહેજ અને ઘરેલું વિવાદો જેવા સામાજિક આર્થિક પરિબળો હિંસાને ઉત્તેજના આપતા રહ્યા.
આંકડામાં સમજીએ
સરેરાશ દર 5 મિનિટે 1 કૉલ
ગુજરાતમાં હેલ્પલાઈન પર કલાકે 25 કોલ
સંબંધિત કોલ્સમાં 5 વર્ષમાં 61% વધારો
ઉત્પીડનના કોલમાં દર વર્ષે 45% વધારો
અભયમના કૉલ્સમાં એકંદરે 17% વધારો
સમગ્ર ગુજરાતમાં વાર્ષિક વધારો 13% નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેર માટે તે 23% છે કારણ કે સંખ્યા 14344થી વધીને 17642 થઈ છે. હેલ્પલાઇનના કાઉન્સેલરોએ જણાવ્યું કે આ ખોટી માન્યતા છે કે પ્રમાણમાં સમૃદ્ધ વિસ્તારોમાં ઓછા કેસ નોંધાય છે.
ઓવરઓલ કૉલ્સ- 185,744 (ગુજરાત)
ઘરેલું હિંસા- 98830
ઉત્પીડન- 10164
લગ્નેતર સંબંધ- 10373
લીગલ- 7243
કસ્ટડી- 5131
બેઘરતા- 3345
રિલેશનશિપ- 2839
ટેલિફોનિક સ્ટોકિંગ- 2758
ફાયનાન્સિયલ- 2372
ઈવ ટીઝીંગ- 2085
કાઉન્સેલરે જણાવ્યું કે, વસ્ત્રાપુરના એક તાજેતરના કેસમાં, અમને મદદ માટે ફોન આવ્યો કારણ કે એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરતો પુરુષ, પત્નીની દરેક બાબતમાં, ખોરાકથી લઈને બાળકોના હોમવર્કમાં ખામી શોધતો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. જ્યારે તેણીને માર મારવામાં આવ્યો ત્યારે તેણીએ હેલ્પલાઇન પર ફોન કરતા પહેલા સમાધાનની આશામાં બે મહિના સુધી પતિના અત્યાચાર સહન કરવા પડ્યા હતા.
ઘરેલું હિંસા: 5 વર્ષના આંકડા
વર્ષ 2019: 61159 કૉલ્સ
વર્ષ 2020: 66282 કૉલ્સ
વર્ષ 2021: 79675 કૉલ્સ
વર્ષ 2022: 87732 કૉલ્સ
વર્ષ 2023: 98830 કૉલ્સ