Donkey Filght: 66 ગુજરાતીઓને ગેરકાયદે USA મોકલનારા એજન્ટોનો માસ્ટર પ્લાન શું હતો?

અમેરિકામાં કથિત રીતે ઘૂસણખોરી કરી રહેલા 66 ગુજરાતીની તપાસ વેગવંતી બની છે. CID ક્રાઈમે સાંયોગિક પુરાવા એકત્ર કરીને 14 એજન્ટો સામે ફરિયાદ નોંધ્યા બાદ લૂક આઉટ નોટિસ ઈશ્યૂ કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હીના એજન્ટોએ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું
  • 66 ગુજરાતી ઝડપાયા તેના 11 દિવસ અગાઉ 48 પ્રવાસીને આ જ રૂટથી અમેરિકા મોકલ્યા હતા

ફ્રાન્સમાં ભારતીયોને લઈ જતી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવ્યા બાદમાં ભારત પરત મોકલવામાં આવી હતી તેના અઠવાડિયા પછી, ગુજરાત પોલીસે ગુજરાતમાંથી 60થી વધુ લોકોને મેક્સિકો સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસ મોકલવાનો પ્રયાસ કરવા બદલ માનવ તસ્કરીના આરોપો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ આરોપમાં 14 એજન્ટો સામે નોંધવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. CID ક્રાઈમે સાંયોગિક પુરાવા એકત્ર કરીને 14 એજન્ટો સામે ફરિયાદ નોંધ્યા બાદ લૂક આઉટ નોટિસ (LOC) ઈશ્યૂ કરી છે. લેજન્ડ નામની ચાર્ટર્ડ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના ફેબ્રિકેટેડ ડોક્યુમેન્ટ એજન્ટોએ બનાવી આપ્યા હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. 

એક રિપોર્ટ અનુસાર તમામ એજન્ટોનો માસ્ટર પ્લાન એવો હતો કે, સેન્ટ્રલ અમેરિકાના વિવિધ દેશોના ઓન એરાઈવલ વિઝા હોય છે તે દેશોમાં કોઈપણ ભોગે પ્રવેશ મેળવી લેવાનો અને ત્યારબાદ ભારતના એજન્ટોનું કામ પૂરું થતું હતું. ત્યારબાદ અમેરિકન સિન્ડિકેટના એજન્ટો પંજાબ અને ગુજરાતથી આવેલા મુસાફરોને ઉઝબેકીસ્તાન, યુરોપ, મેક્સિકો થઈને અમેરિકાની બોર્ડરમાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા હતા. કબૂતરબાજીના કિંગપીન એવા 14 એજન્ટોએ આગાઉ પણ ત્રણથી વધુ વખત આ જ પ્રકારે દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવીને મુસાફરોને અમેરિકા સુધી મોકલી આપ્યા હતા.

આ કેસની તપાસ કરતી સીઆઇડી ક્રાઇમે એવો પણ અંદાજ લગાવ્યો છે કે એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં 300 પેસેન્જરની કેપેસિટી હોય તો તે મુજબ અગાઉ ત્રણ વખત ગયેલા પેસેન્જરોની સંખ્યા 900 જેટલી હોઇ શકે છે. સમગ્ર કબૂતરબાજીમાં જોગિંદર ઉર્ફે જગ્ગી, જોગિંદરસિંગ માનસ રામ, સલીમ દુબઈ તથા સેમ આ ચાર લોકોની મુખ્ય ભૂમિકા હોવાનું પોલીસ માની રહી છે. આગાઉ ત્રણ વખત ચાર્ટર્ડ પ્લેન પણ આ ચાર લોકોએ જ મોકલ્યું હોવાનું મનાય છે.

14 એજન્ટ સામે ગુનો નોંધાયો
જોગીન્દર ઉર્ફે જગ્ગી પાજી - દિલ્હી 
જોગીન્દરસિંગ માનસરામ -દિલ્હી 
સલીમ દુબઈ - દુબઈ 
સેમ પાજી - દિલ્હી 
ચંદ્રેશ પટેલ - મહેસાણા 
કિરણ પટેલ - મહેસાણા 
ભાર્ગવ દરજી - અમદાવાદ 
સંદીપ પટેલ - ગાંધીનગર 
રાજ પંચાલ - મુંબઈ 
પીયૂષ બારોટ - ગાંધીનગર 
અર્પિતસિંહ ઝાલા - ગાંધીનગર 
રાજાભાઈ -  મુંબઈ 
બિરેન પટેલ- ગાંધીનગર 
જયેશ પટેલ - વલસાડ

એજન્ટોએ આપી હતી ઈમિગ્રેન્ટ્સને ટ્રેનિંગ 
પેસેન્જરો બોર્ડર પકડાઇ જાય ત્યારે શું કરવું તે માટે એજન્ટોએ સ્થળાંતર કરનારાઓને ટ્રેનિંગ પણ આપી હતી. જેમાં પંજાબીએ શું બોલવું અને ગુજરાતીએ શું બોલીને વાત કરવી તે માટેની એક અઠવાડિયા સુધી ટ્રેનિંગ વીડિયો કોલિંગ મારફતે આપી હતી. જે પણ પંજાબી પેસેન્જર હોય અને તે પકડાય તો ખાલિસ્તાની છીએ તેવું કહેવાનું અને ગુજરાતી હોય તો રાજ્યાશ્રય (ASYLUM) માગીએ છીએ તેમ કહીને વાત કરવાનું જણાવાયું હતું. હાલ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આને લઈને ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.