Dunki Flight: એક નહીં પણ આવી રીતે આ ત્રીજી ડંકી ફ્લાઈટ દુબઈથી હતી

ફ્રાંસથી મુંબઈ પરત ફરેલી ડંકી ફ્લાઈટમાં ભારતીય મુસાફરો હતા. જેમાંથી કેટલાંક મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના હતા. ત્યારે પોલીસ તપાસમાં વધુ એક ધડાકો થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડંકી ફ્લાઈટ પહેલી નહોતી, આવી રીતે આ ત્રીજી ફ્લાઈટ હતી
  • 96 ગુજરાતી પેસેન્જર્સની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
  • આ પહેલાંની ફ્લાઈટમાં કેટલાંક પેસેન્જર અમેરિકામાં ઘુસી પણ ગયા

અમદાવાદઃ હાલ ફિલ્મ ડંકી અને ફ્રાંસથી પરત ફરેલી ડંકી ફ્લાઈટ સતત ચર્ચામાં છે. 303 ભારતીય પેસેન્જર્સમાંથી 96 જેટલાં પ્રવાસીઓ ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું હતું. જે અદમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના હતા. એક ગુજરાતી પેસેન્જરે તો પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે 80 લાખ રુપિયા આપવા તૈયાર હતો, એ પણ અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માટે. ત્યારે સીઆઈડી ક્રાઈમની તપાસમાં વધુ ખુલાસો થયો છે. આ કોઈ પહેલી ફ્લાઈટ નહોતી. આ ત્રીજી હતી. ગઈ 6 ડિસેમ્બરે પણ આવી જ રીતે એક ફ્લાઈટે દુબઈના નિકારાગુઓથી ઉડાન ભરી હતી. 

96 ગુજરાતી પેસેન્જર્સ 
આખી ઘટના એવી હતી કે, ગઈ 21 ડિસેમ્બરના રોજ ફ્રાંસના પેરિસથી 150 કિમી દૂર વેટ્રી એરપોર્ટ પર આ ફ્લાઈટને માનવ તસ્કરીની શંકામાં રોકવામાં આવી હતી. જેમાં 303 ભારતીય પેસેન્જર્સ સવાર હતા. જે ચાર દિવસની આકરી પૂછપરછ બાદ ભારત પરત મોકલવામાં આવી હતી. જેમાં 96 ગુજરાતી પેસેન્જર્સ હતા. સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાતા કેટલાંક ચોંકાવનારા ખુલાસા થયા છે. હવે એવું સામે આવ્યું કે, આ કોઈ પહેલી ફ્લાઈટ નહોતી પણ ત્રીજી હતી. એ પહેલાં 6 ડિસેમ્બરના રોજ આવી જ રીતે એક ફ્લાઈટે દુબઈથી ઉડાન ભરી હતી. 

કેટલાંક તો અમેરિકામાં ઘુસી પણ ગયા 
જો કે, પોલીસે પંદર જેટલા એજન્ટ્સનો પણ કોન્ટેક્ટ નંબર મેળવ્યો છે. તેઓની પણ પૂછપરછ ચાલી રહી છે. એ પહેલાં એક ગુજરાતી પેસેન્જરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તે અમેરિકામાં ઘુસવા માટે 80 લાખ રુપિયા સુધી આપવા માટે તૈયાર હતો. આ પહેલાં જે ફ્લાઈટે ઉડાન ભરી હતી તેમાં 200 પેસેન્જર્સ હતા અને તેમાં લગભગ 60 ગુજરાતી હતી. જેઓ જર્મનીના એક એરપોર્ટ પર 10-12 કલાક માટે રોકાયા હતા. ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાતા તેઓ ત્યાં રોકાયા હતા. ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, આ ગેરકાયદે પ્રવાસીઓમાંથી કેટલાંક તો અમેરિકામાં ઘુસી પણ ગયા છે. જ્યારે કેટલાંક મેક્સિકોમાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ સમગ્ર અહેવાલ પ્રકાશિત થયો છે.