Gujarat Farmers Protest: ધોરાજીમાં ખેડૂતોએ ખેતરમાં પડેલી ડુંગળીમાં સમાધિ લીધી

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરવાના વિરોધમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ડુંગળી સમાધિ લીધી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાત સહિત દેશભરમાં ડુંગળીના ખેડૂતોનો વિરોધ ચાલુ છે
  • ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના ઢગલમાં સમાધિ લઈ વિરોધ કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત બાદ ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે કારણ કે આ ડુંગળીની નિકાસ બંધ થવાથી ડુંગળીના ભાવોમાં ભારે ઘટાડો થયો છે અને રોજેરોજ ડુંગળીના તળીયો જઇ રહયા છે. બીજી તરફ વેપારીઓએ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ડુંગળીની માંગ કરી છે. જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સારા ભાવ ન મળતા ડુંગળી ખેતરમાં સડી પણ રહી છે.

ડુંગળીના ઢગલમાં ખેડૂતોની સમાધિ
મળતી માહિતી પ્રમાણે ધોરાજી પંથકના ખેડૂતો પણ આ વિરોધથી બાકાત નથી. આવેદનપત્ર આપીને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને પાછો ખેંચવામાં આવે તેવો ખેડૂતોનો એક સૂર છે. તેઓ એવી માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા પ્રતિબંધ તાત્કાલિક હટાવી દેવામાં આવવો જોઈએ. સાથે જ ખે઼ડૂતોએ પોતાના ખેતરમાં પડેલી ડુંગળીમાં સમાધિ લઈને અનોખો વિરોધ પણ નોંધાવ્યો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.

ધોરાજીના એક ખેતરમાં એક ખેડૂતો પોતાના માથા સુધી ડુંગળીનો ઢગલો કર્યો છે અને તેમાં તે સમાધિ લેતા દેખાઇ રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, અત્યારના સમયે રાજ્યના ડુંગળી પકડવા ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો તૈયાર પાક રઝળી રહ્યો છે. સારા ભાવ નથી મળી રહ્યાં, અને નિકાસબંધી લાગુ છે. આવી સમસ્યાઓનું સરકારે સત્વરે સમાધાન કરવું જરૂરી છે. આ વિરોધમાં ધોરાજી ઉપરાંત ઉપલેટા, ભાયાવદર સહિતના ગામોના ખેડૂતો જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલા ઉપલેટા-ભાયાવદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ડુંગળીના ટ્રેક્ટર ભરી મફત આપીને નિકાસ પ્રતિબંધ હટાવવા માંગ કરી હતી. ખેડૂતોએ ટ્રેક્ટર ભરી રોડ ઉપર ડુંગળી ફેંકી હતી અને મફત વેચી વિરોધ કર્યો હતો.