રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત

રિક્ષાએ અચાનક ટર્ન લેતા પાછળથી આવી રહેલા ડમ્પરની અડફેટે અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા અને ડમ્પરે તેમને કચડી નાખ્યા.

Share:

હાઈલાઇટ્સ

  • પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
  • રિક્ષામાં સવાર અન્ય 3 મુસાફરને ઈજા, હોસ્પિટલમાં દાખલ

ગુજરાતમાં રોડ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં વાહનચાલકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢીને પીએમ માટે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્થાનિક પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

અકસ્માતમાં પિતા-પુત્રનું કરુણ મોત
પ્રાપ્ત અહેવાલો અનુસાર રવિવારે સાંજે ગ્રીનલેન્ડ ચોકડી આગળ નવાગામ નજીક જઈ રહેલી રિક્ષાએ અચાનક જમણી બાજુ ટર્ન લેતા પાછળથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ ટક્કરની સાથે જ 44 વર્ષીય પ્રવીણ ગરસોંદીયા અને 18 વર્ષીય મયંક રીક્ષામાંથી રોડ પર ફંગોળાયા હતા અને ડમ્પરનું ટાયર ફરી વળતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંને મૃતક સંબંધમાં પિતા-પુત્ર હતા.

રિક્ષાનો કચ્ચરઘાણ, 3ને ઈજાઓ થઈ
અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ જોઈને એવો અંદાજ લગાવી શકાય છે કે, ટક્કર કેટલી ગંભીર હશે. અકસ્માતમાં રીક્ષામાં સવાર જનકાભા પરમાર, મધુબેન જાદવ, નારણભાઈ જાદવને પણ ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં મોટાભાગના અકસ્માતો જીવલેણ સાબિત થયા છે.