GIFT CITY: કોઈપણ વ્યક્તિ દારૂ પી શકશે? શું છે નિયમો? રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે. હવે અમને પણ દારૂ પીવા મળશે એ આશાએ આ મુદ્દો બહુ ચગ્યો છે. જો કે, રાજ્ય સરકારે હવે આ અંગે સ્પષ્ટતા કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે.
  • ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.

ગાંધીનગર: રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. ત્યારે લોકોમાં એક ચર્ચા ગજબની ચાલી રહી છે કે શું ગિફ્ટ સિટીમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પી શકશે? અહીં કોણ દારૂ પી શકશે અને ક્યારે પી શકશે ? આવા અનેક સવાલો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે. બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે.

2 દિવસમાં 107 લોકોએ લીધી મેમ્બરશિપ
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગિફ્ટ સિટીમાં રોકાણ વધારવા માટે અને લોકોને આકર્ષવા માટે ગુજરાત સરકારે શરતોને આધીન દારૂના સેવાનની મંજૂરી આપી છે. તેના ફક્ત બે જ દિવસમાં 107 લોકોએ દારૂ પીવા માટે મેમ્બરશિપ માંગી છે. એટલું જ નહીં, મેમ્બરશીપ લેવા માટેની ઈન્કવાયરીમાં પણ સખત વધારો જોવા મળ્યો છે. જેથી મેમ્બરશિપ ફીસમાં પણ જોરદાર વધારો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમ

1. FL3 લાયસન્સ શું છે? તે કોને મળી શકે ?
જવાબ:
ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.

2. FL3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શું છે?
જવાબ:
જે તે સેટલ/ક્લબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

3.  હાલના ફેલ્થ પરમીટ, વિઝીટર પરમીટ, ટુરિસ્ટ પરમીટ ધારકો ગિફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે?
જવાબ:
ના, ગિફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.

4. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે?
જવાબ:
ગિફટ સિટી દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

5. ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટની મંજૂરી કોણ આપશે?
જવાબ:
ગિફ્ટ સિટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.

6.  FL3 લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે ? 
જવાબ:
લાયસન્સ ધારકે ખરીદેલા લીકરના જથ્થાની નિયત કરેલા નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

7. ગિફ્ટ સિટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે? 
જવાબ:
FL3 લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

8. FL3 લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?
જવાબ:
લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

9. લાયસન્સ મેળવનારે અન્ય કઇ કઇ મંજુરી મેળવવાની રહેશે?
જવાબ:
લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે.

10. FL3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમિટ ધારકને લિકર વેચાણ કરી શકાશે ?
જવાબ:
ના

11. લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકાશે?
જવાબ:
ના, લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

12. FL3 લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે? 
જવાબ:
લિકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

13. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે? 
જવાબ:
ના, વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહી

14. લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઇ શું છે?
જવાબ:
21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે.

15. પરમિટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનુ રહેશે?
જવાબ:
લિકર એકસેસ પરમિટ, ટેમ્પરરી પરમિટ અને FL3 લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

16. હાલ રાજ્યમાં વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ અંગે શું જોગવાઇ છે ?
જવાબ:
બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઇ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઇ ઇ- પરમીટ પોર્ટલ કાર્યરત છે.

17. લીકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારકે શું કાળજી રાખવી?
જવાબ:
લીકર એકસેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહીં. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કરે તો રજુ કરવાના રહેશે.