IPS અધિકારીની પિસ્તોલ માટે 'સેફ કસ્ટડી' એટલે કઈ જગ્યા? ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું

ગુજરાતના એક ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીની સર્વિસ રિવોલ્વર તેમની પત્નીના બેંક લોકરમાંથી મળી આવી હતી. હવે આ આખો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • કોર્ટને કહેવામાં આવ્યું કે એક IPSનું હથિયાર પત્નીના બેંક લોકરમાંથી મળી આવ્યું છે
  • જાણો શું છે આ આખો મામલો, કોર્ટે રાજ્ય સરકારને આ સવાલ આખરે કેમ કરવો પડ્યો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે IPS અધિકારીને ફાળવવામાં આવેલા સર્વિસ ફાયર આર્મ માટે 'સેફ કસ્ટડી' શું છે. આ સવાલ ત્યારે થયો જ્યારે કોર્ટને કહેવામાં આવ્યું કે એક IPS ઓફિસરનું હથિયાર તેની પત્નીના બેંક લોકરમાંથી મળી આવ્યું છે. 

રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓની સુનાવણી દરમિયાન આ વાત બહાર આવી હતી. જેમાં 2019માં કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા બે આદેશોને પડકારવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલે બે અલગ-અલગ શિસ્તની કાર્યવાહીમાં લાદવામાં આવેલી રાજ્ય સરકારની ચાર્જશીટ અને ભૂતપૂર્વ IPS અધિકારી આર એસ યાદવ સામે પગાર ધોરણમાં કપાતને રદ કરી હતી.

1999માં ગાંધીનગરમાં એક બાળકના અપહરણ સાથે સંકળાયેલા કુખ્યાત કેસ પછી રાજ્ય સરકાર સાથે વિવાદાસ્પદ સંબંધો ધરાવતા યાદવને ગાંધીનગરના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ છોડ્યા પછી મિલકત રિટર્ન ફાઈલ ન કરવા અને સેવાનું હથિયાર જમા ન કરવા બદલ સજા કરવામાં આવી હતી. ત્યારબાદ 1999માં તેઓ જૂનાગઢની પોલીસ ટ્રેનિંગ સ્કૂલના આચાર્ય બન્યા હતા

જૂનાગઢની પોલીસ ટ્રેનિંગ સ્કૂલના આચાર્ય તરીકે તેઓ પોતાની સર્વિસ રિવોલ્વર લઈ જવા માટે હકદાર ન હતા. તેથી તેમને તેમની સર્વિસ રિવોલ્વર સોંપી દેવા માટે નવ વખત કહેવામાં આવ્યું હતું. જોકે, તેમ છતાં તેમણે સર્વિસ રિવોલ્વર જમા કરાવી ન હતી અને તેના કારણે સરકારે 2003માં તેમના પર આરોપ લગાવ્યો હતો. બંને કિસ્સાઓમાં તેમને સમાન સજા આપવામાં આવી, જેનાથી આખરે તેમના પેન્શનને અસર થઈ હતી. CATએ ચાર્જશીટ અને સજાના આદેશો રદ કર્યા હતા અને ત્યારબાદ સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહે એવી રજૂઆત કરી હતી કે યાદવે પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ હેડક્વાર્ટર અથવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની હતી. જોકે, તેમણે પોતાની સર્વિસ રિવોલ્વર જમા કરાવી ન હતી. એટલું જ નહીં પરંતુ તે સર્વિસ રિવોલ્વર તેમણે ગાંધીનગરમાં પોતાની પત્નીના બેંક લોકરમાં રાખી હતી. જેના કારણે બેંક લોકર તોડીને સર્વિસ રિવોલ્વર રિકવર કરવી પડી હતી. એક અધિકારીએ ફરજ પર હોય ત્યારે તેનું હથિયાર રાખવું અને તેની ગેરહાજરીમાં તેને સુરક્ષિત કસ્ટડીમાં રાખવું જરૂરી છે. યાદવ સામે ખાતાકિય કાર્યવાહી તેમની બંદૂક પરત ન કરવા અને તેમની પત્નીના બેંક લોકરમાં રાખવા બદલ હતી.

આનાથી કોર્ટને પોલીસ મેન્યુઅલની જોગવાઈઓ વિશે પૂછવામાં આવ્યું કે પોલીસ અધિકારીના હથિયારની સલામત કસ્ટડી શું છે. સરકારી કાયદા અધિકારીએ જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો અને ન્યાયાધીશોએ ગુરુવારે આ મુદ્દા પર વધુ ચર્ચા માટે કાયદાના પુસ્તકો મંગાવ્યા.