ગુજરાતમાં 5 વર્ષમાં MBBSની બેઠકોમાં થયો 78%નો વધારો.. વાંચો વિગતો

સુશીલ કુમાર મોદીના પ્રશ્નના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી ડૉ. ભારતી પવાર દ્વારા આ ડેટા શેર કરવામાં આવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • રાજ્યમાં 2018-19માં 4,000 બેઠકો હતી, 2023-24માં 7,150 થઈ ગઈ

અમદાવાદ: લોકસભામાં શેર કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં 2023-24 માટે 7,150 MBBS બેઠકો છે, જે ભારતીય રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે. સ્થાનિક પ્રવેશ સમિતિના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2018-19માં 4,000 બેઠકો હતી, જે પાંચ વર્ષમાં બેઠકોની સંખ્યામાં 78% વધારો દર્શાવે છે. આ સમાન સમયગાળા માટે રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા 56% વધારા કરતાં ઘણી વધારે છે. નોંધનીય છે કે, ભારતમાં 2023-24 માટે 1.08 લાખ MBBS સીટો છે, જે 2018-19માં 70,012 હતી.

પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં 24 મેડિકલ કોલેજો હતી. આજે તેની પાસે 39 સરકારી અને ખાનગી ક્ષેત્રની કોલેજો છે. બેઠકોની સંખ્યામાં વધારો થવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણમાં વધુ સારી તકો મેળવવામાં મદદ મળી છે. લગભગ એક દાયકા પહેલા, ઘણા વિદ્યાર્થીઓ એમબીબીએસ અને અન્ય તબીબી અભ્યાસક્રમો કરવા માટે અન્ય રાજ્યોમાં જતા હતા, એમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતે જણાવ્યું હતું.

મોટાભાગની નવી કોલેજો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હેઠળ બનાવવામાં આવી છે. ગુજરાત સ્થિત બે સંસ્થાઓ પાસે 100% રાષ્ટ્રીય પ્રવેશ ક્વોટા છે. જેમાં રાજકોટમાં AIIMS અને વાઘોડિયામાં સુમનદીપ વિદ્યાપીઠ પાસે  કુલ 200 બેઠકો છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (UGMEB)એ દરેક રાજ્યમાં અંડરગ્રેજ્યુએટ (UG) સીટોને 10,000 વસ્તી દીઠ એક સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો હતો.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગુજરાતને આ નિયમનો ભારે ફટકો પડશે કારણ કે NMCના નોટિફિકેશનને પગલે બોટાદ, ખંભાળિયા અને વેરાવળમાં ત્રણ બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો અવઢવમાં પડે તેવી શક્યતા છે. જો રાજ્યની વસ્તી 7 કરોડ ગણીએ તો રાજ્યનો UG મેડિકલ ક્વોટા સંતૃપ્ત છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચાર નવી મેડિકલ કોલેજો ઉમેરવામાં આવી છે, જેમાં બેઠકોની સંખ્યામાં 600નો વધારો થયો છે. પરંતુ નવા નિયમ સાથે, વધુ વધારાની શક્યતાઓ અંધકારમય લાગે છે, એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.

અગાઉ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણે કહ્યું કે 2014 પછી એમબીબીએસની બેઠકોમાં પણ 112 ટકાનો વધારો થયો છે. આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન અનુસ્નાતક તબીબી બેઠકોની સંખ્યામાં પણ 127 ટકાનો વધારો થયો છે.

તેમણે કહ્યું કે મેડિકલ કોલેજોની સંખ્યા 2014માં 387 હતી તે વધીને હાલમાં 706 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન, MBBSની બેઠકો 51,348 થી વધીને 1,08,940 થઈ હતી, જ્યારે PG બેઠકો 31,185 થી વધીને 70,674 થઈ હતી. પવારે કહ્યું કે આ ઉપરાંત 157 મેડિકલ કોલેજોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આમાંથી 108 કાર્યરત છે.

તેમણે કહ્યું કે કોલેજોના નિર્માણને ત્રણ તબક્કામાં મંજૂરી આપવામાં આવી છે અને તેના માટે ભંડોળ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવ્યું છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ, યોજનાઓનું આયોજન, અમલીકરણ અને કમિશનિંગ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે.