Gujarat Vibrant Summit 2024: રાજ્યમાં કેટલી રોજગારી ઉભી થશે?

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ગુજરાતના 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે. જે કાર્યક્રમમાં 45 હજાર કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ થયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો
  • 45 હજાર કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 MOU થયા

ગુજરાતના 32 જિલ્લાઓમાં ₹45000 કરોડથી વધુના સંભવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ થયા છે. ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાતના 32 જિલ્લાઓમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમો દરમિયાન ₹45,603.71 કરોડના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ થકી રાજ્યમાં 1,70,883 જેટલી સંભવિત રોજગારીઓ ઉત્પન્ન થશે તેવું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ગુજરાતના તાપી જિલ્લાથી વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ, ક્રમવાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

1 લાખથી વધારે રોજગારી ઉભી થશે: અદાણી
આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ. બે લાખ કરોડ – એટલે કે USD 25 બિલિયનનું રોકાણ કરશે. જેનાથી 100,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થશે.

માઈક્રોન ટેક્નોલોજી: 20000 રોજગારી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 બુધવારથી શરૂ થતાં સેમિકન્ડક્ટર સેક્ટરે કેન્દ્રમાં સ્થાન મેળવ્યું હતું, જેમાં ઘણા ઉદ્યોગપતિઓએ તેમની રોકાણ પ્રતિબદ્ધતાઓ જાહેર કરી હતી.  માઈક્રોન ટેક્નોલોજીના CEO સંજય મેહરોત્રાએ જાહેરાત કરી હતી કે સાણંદમાં સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનો પ્રથમ તબક્કો, જેમાં 500,000 ચોરસ ફૂટની આયોજિત ક્લીન રૂમ સ્પેસનો સમાવેશ થાય છે, તે "2025ની શરૂઆતમાં કાર્યરત થઈ જશે." માઇક્રોન ટેક્નોલોજીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે પ્રથમ તબક્કો 2024ના અંત સુધીમાં કાર્યરત થશે. મેહરોત્રાએ જણાવ્યું કે, હાયરિંગ શરૂ થઈ ચૂક્યું છે અને આ પ્રોજેક્ટ સાણંદમાં 5,000 નવી સીધી નોકરીઓ અને આગામી વર્ષોમાં વધારાની 15,000 સામુદાયિક નોકરીઓનું સર્જન કરશે.

એટલું જ નહીં, દેશ-વિદેશના મોટા ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અબજો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરતા આગામી સમયમાં ગુજરાતમાં મોટાપાયે રોજગારી ઉભી થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.