Gujarat Weather: હજુ Ahmedabadમાં 3 દિવસ કાતિલ ઠંડીના એંધાણ, માઉન્ટ આબુ -1 ડિગ્રીએ થીજી ગયું

ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી પવનના સૂસવાટા સાથે કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, હજુ પણ ત્રણ દિવસ અમદાવાદમાં કાતિલ ઠંડી પડશે.

Share:

હાઈલાઇટ્સ

  • ત્રણ દિવસ અમદાવાદમાં હજુ પણ જોરદાર ઠંડી પડશે
  • માઉન્ટ આબુમાં માઈનસ એક ડીગ્રી, ઠંડીમાં ઠુઠવાયુ
  • કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ માઈનસમાં પહોંચ્યું તાપમાન

અમદાવાદઃ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હાલ હિમવર્ષા થઈ રહી છે. જેની અસર છેક મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા બાદ સોનમર્ગ અને ગુલમર્ગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે આની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યના અનેક વિસ્તારો ઠંડીમાં ઠૂઠવાયા છે. બે દિવસથી અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે કાતિલ ઠંડી વર્તાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ઠંડીનો પારો 15.5 ડીગ્રીએ પહોંચ્યો હતો. બીજી તરફ, ગુજરાતની નજીક જ આવેલા પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં પણ માઈનસ એક ડીગ્રી નોંધાયું છે. ત્યારે અહીં ફરવા માટે આવેલા પર્યટકોમાં પણ રોમાંચ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદીઓ તૈયાર રહેજો 
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સૂસવાટા મારતો પવન જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને કાતિલ ઠંડીનો અનુભવ કરવાનો વારો આવ્યો છે. રાત્રે શરેરાસ લઘુત્તમ તાપમાન 15.5 ડીગ્રી નોંધાયુ હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 16 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાનની આગાહી કરતી એક ખાનગી સંસ્થાનું એવું પણ અનુમાન છે કે, દસ દિવસ સુધી ઠંડીનો પારો 13-15 ડીગ્રી વચ્ચે રહી શકે છે. 

નલિયા સૌથી ઠંડુ 
તો નલિયામાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જે બાદ તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ગાંધીનગરમાં 14, ભૂજમાં 14.6, સુરત 20.8, અમરેલી 16, ભાવનગર 19.5, ડીસા 12.9 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. બીજી તરફ, ગુજરાતની એકદમ નજીક આવેલા ટુરિસ્ટ પ્લેસ માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો માઈનસ એક ડીગ્રીએ પહોંચી જતા ઠુઠવાયુ  હતું. 

કાશ્મીરમાં માઈનસ ડીગ્રી 
ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે કાશ્મીરના સોનમર્ગ અને ગુલમર્ગમાં ઠંડીનો પારો માઈનસ ડીગ્રીએ પહોંચ્યો હતો. ત્યારે ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય એવું વાતાવરણ સર્જાયું હતું. અહીં ફરવા માટે આવેલા ટુરિસ્ટ્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ લાઈવ સ્નોફોલ પણ માણ્યો હતો.