Vibrant Gujarat Global Summit 2024: "મને વારંવાર ગુજરાત આવવું ગમશે"

જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેનની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શિષ્ટાચાર મુલાકાત

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • જર્મનીના વધુને વધુ પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન મથકોની મુલાકાતે આવે એ માટે પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ભારતમાં જર્મનીના રાજદૂત  ડૉ. ફિલિપ એકરમેને આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ગુજરાત આવવાની એક પણ તક હું ગુમાવવા નથી માગતો. મને વારંવાર ગુજરાત આવવું ગમશે. આ અવસરે જર્મનીના કોન્સ્યુલ જનરલ આખિમ ફાબિગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. ફિલિપ એકરમેને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળ અને પ્રભાવશાળી આયોજન બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, નીવિયા અને બોશ જેવી જર્મન બ્રાંડ ભારતમાં અત્યંત લોકપ્રિય અને જાણીતી છે. જર્મની ભારત સાથે અને ખાસ કરીને ગુજરાત સાથે વેપાર-ઉદ્યોગમાં વધુ ભાગીદારી ઈચ્છે છે. જર્મનીના વધુને વધુ પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન મથકોની મુલાકાતે આવે એ માટે પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ગ્રીન એનર્જી, હાઈડ્રોજન અને સોલાર એનર્જી પરત્વે ગુજરાત અને ભારતના અગ્રતાભર્યા વલણની તેમણે પ્રશંસા કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જર્મન ભાષાવિદ્, વેદ તથા પ્રાચીન વિદ્યાના વિશારદ ફ્રીડ્રિશ મૈક્સ મૂલરને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીને ચાર વેદોની મૂળ પ્રતની આવશ્યકતા પડી ત્યારે તેમણે તે જર્મનીથી મંગાવી હતી. જર્મન ભાષા પર સંસ્કૃતના પ્રભુત્વ વિશે પણ તેમણે વાત કરી હતી. ગુજરાતના ધોળાવીરા સહિતના પ્રવાસનધામોના વિશેષ મહત્વ વિશે પણ તેમણે વાત કરી હતી. પર્યાવરણના જતન માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પણ મહત્વનું પરિબળ છે, એમ કહીને તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપી હતી. વિશ્વની સૌપ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના વિશે પણ તેમણે વાત કરી હતી.