ઈઝરાયેલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, વેરાવળ પાસે હિંદ મહાસાગરમાં બની ઘટના

UKMTOને એક જહાજ પર અનક્રુડ એરિયલ સિસ્ટમ (UAS) દ્વારા થયેલા હુમલાનો અહેવાલ પ્રાપ્ત થયો છે જેના કારણે વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ઈઝરાયેલના અધિકારીઓ પણ આ ઘટનાને હુતી વિદ્રોહીઓ સાથે જોડી રહ્યા છે

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ, આ હુમલો શનિવારે (23 ડિસેમ્બર) એક શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઇઝરાયેલના વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના વેપારી જહાજ પર ભારતના વેરાવળ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. નોંધનીય છે કે ગયા મહિને પણ હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ત્યારબાદ અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ હુમલો ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઈરાન લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજો સામેની કામગીરીના આયોજનમાં ઊંડાણપૂર્વક સામેલ છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ ઈરાન સમર્થિત હુથીઓ દ્વારા લાલ સમુદ્રમાં ડ્રોન અને મિસાઈલ હુમલામાં પણ વધારો થયો છે. હુથિઓએ કહ્યું છે કે તેઓ હમાસને સમર્થન આપે છે જેના કારણે તેઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. આનાથી શિપર્સને કોર્સ બદલવા અને આફ્રિકાના દક્ષિણ છેડાની આસપાસ લાંબા માર્ગો લેવાની ફરજ પડી છે, તેવો અહેવાલ એક સમાચાર એજેન્સીએ આપ્યો છે.

ગત મહિને પણ બની હતી આવી ઘટના
નવેમ્બર 2023માં પણ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્દ દરમિયાન ઈરાને ઈઝરાયેલના એક જહાજને નિશાન બનાવ્યું છે. અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ દાવો કર્યો હતો કે હિંદ મહાસાગરમાં ઇઝરાયેલના અબજોપતિની માલિકીના કન્ટેનર જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો શંકાસ્પદ ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.