વલસાડ: પત્નીને ભગાડી જનારા ST બસ ડ્રાઈવરને પતિએ મિત્ર સાથે મળીને પતાવી દીધો!

વાપીમાં લગ્નેત્તર સંબંધમાં એક યુવકની હત્યાએ ચકચાર મચાવી દીધી છે. જ્યાં પત્નીને ભગાડી જનારા પ્રેમીની પતિએ મિત્ર સાથે મળીને હત્યા કરી નાખી.

Share:

હાઈલાઇટ્સ

  • વાપીમાં રિક્ષાચાલકે ST બસ ડ્રાઈવરની હત્યા કરી નાખી
  • બસ ડ્રાઈવર રિક્ષાચાલકની પત્નીને ભગાડીને લઈ ગયો હતો

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે લફરું કરનારા એસટી બસના ડ્રાઈવરને પતિએ મિત્ર સાથે મળીને બે દિવસ બાંધીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે હુમલાની કબૂલાત કરતા પોલીસે તેની સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર વાપીના કબ્રસ્તાન રોડ પર અરવિંદ રાઠવા નામનો યુવક ભાડાના મકાનમાં રહેતો હતો અને STમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેની પાડોશમાં રાજુ ઠાકુર નામનો રિક્ષાચાલક રહેતો હતો. જો કે, આ દરમિયાન ST ડ્રાઈવરને રાજુ ઠાકુરની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેની પત્નીને ભગાડીને વડોદરા જતો રહ્યો હતો. રિક્ષાચાલકને પત્ની સાથે અરવિંદના આડા સંબંધ હોવાનો વહેમ રાખી તેમને ફોન કરી રૂમ ઉપર બોલાવ્યો હતો. જે બાદ રિક્ષાચાલક રાજુ ઠાકુરે અરવિંદને બંધક બનાવી પત્ની અંગે પૂછપરછ કરી હતી. 

આ દરમિયાન પહેલા તો અરવિંદે કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા રાજુએ અરવિંદને ઢોર માર મારીને 36 કલાક સુધી બાંધી રાખ્યો હતો. જેથી ડરી ગયેલા અરવિંદે રાજુ સામે તેણે જ તેની પત્નીને ભગાડી ગયો હોવાની અને હાલ તે વડોદરામાં હોવાની કબૂલાત કરી હતી. જેથી રાજુએ પત્નીને બોલાવવા માટે અરવિંદને ખૂબ જ ટોર્ચર કર્યો હતો. ત્યારબાદ અરવિંદે ફોન કરીને રાજુની પત્નીને બોલાવી હતી. જો કે, ત્યારબાદ રાજુએ તેના મિત્ર સાથે મળીને અરવિંદને ઢોર માર મારીને પતાવી દીધો હતો અને રાતે પારડી તાલુકાના પલસાણા પાસે નદીમાં અરવિંદની લાશ ફેંકીને ભાગી ગયો હતો.

ઘણા સમયથી અરવિંદનો કોઈ પત્તો ન લાગતા ચિંતાતૂર બનેલી પત્નીએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં કોઈ ભાળ ન મળતા આખરે તેણીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને સાથે જ ડ્રાઈવરના ગુમ થવા પાછળ પાડોશમાં રહેતા રિક્ષાચાલકનો હાથ હોવાની શંકા પણ દર્શાવી હતી. જેથી પોલીસે પાડોશી રિક્ષાચાલકને ઝડપીને પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી રાજુ ઠાકુરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.